તા.૧૭/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલા રાજયવ્યાપી અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુપોષણ નિવારવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં આરોગ્ય તપાસ કરતા ૨૮૨૫ મધ્યમ કુપોષિત અને ૭૩૬ અતિ કુપોષિત બાળકો સહિત કુલ ૩,૫૬૧ કુપોષિત બાળકો જણાયા હતા જેની વિવિધ કક્ષાએ સારવાર અને સંપૂર્ણ આરોગ્યપ્રદ ખોરાક આપી સુપોષિત બનાવવા અભિયાન ચલાવવામાં આવ્યું છે.આ અભિયાનની સફળતા રૂપ માત્ર બે મહિનામાં જ ૪૦૬ બાળકોના પોષણ સ્તરમાં સુધારો જણાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કુપોષણ મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસ કરી, બાળકને પુરતું પોષણ આપી તેનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવે છે. આંગણવાડી કક્ષાએ લોક ભાગીદારીથી બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવે છે. અતિ કુપોષિત બાળકોને તબીબી સારવારની જરૂર હોય તેમને સી.એમ.ટી.સી. (ચાઈલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર) અને એન.આર.સી.(ન્યુટ્રીશન રીહેબિલીટેશન સેન્ટર) સેન્ટરમાં રિફર કરવામાં આવે છે, જ્યાં બાળકોને પોષણયુક્ત ખોરાક, જરૂરી સારવાર અને આરોગ્ય,પોષણ શિક્ષણ તમામ સેવા સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવે છે.








