
મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી ધવલગીરી વિજયગીરી ગોસાઇ નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઇ કંપનીની ચોરાઉ “ઓરા” કાર સાથે ખાનપર રોડ ઉપરથી પસાર થશે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી બાતમી અનુસાર કાર અને આરોપી ધવલગીરી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પુછપરછ કરતા કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો.જેને પગલે પોલીસે પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા આ કારની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસની આકરી પુછપરછમાં આરોપી ધવલગીરીએ કબુલ્યું હતું કે તેણે પોતાના સાથીદાર આનંદ શાંતિલાલ ઠકકર સાથે મળી ડ્રાઇવરને જમવાના બહાને કાર માંથી ઉતારી આ કાર મોરબી બાયપાસ રોડ પર આવેલ હોટેલ શેરે પંજાબમાંથી ચોરી કરી હતી. આ ઉપરાંત તેણે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી વધુ એક હ્યુન્ડાઇ કંપનીની “ઓરા” કાર ભાડેથી લઇ જવાનું કહી તેની પણ ચોરી કરી હતી અને આજથી આશરે અઢી- ત્રણ માસ પહેલા તે કારને ધૂળકોટ મુકામે વેચવાના ઇરાદે સંતાડી રાખી હતી.

જેથી પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૫૦૦૦ કિંમતનો મોબાઈલ જપ્ત કર્યો હતો. અને રૂપિયા ૪,૦૦,૦૦૦ લાખની બંને કારને રિકવર કરી હતી. આમ પોલીસે કુલ રૂપિયા ૮૦,૫૦૦૦નો મુદામાલ રીકવર કરી આરોપીને મોરબી સિટી બી ડિવીઝન પોલીસ ખાતે હસ્તગત કરી મુદામાલ જમા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપી આનંદભાઇ શાંતિલાલ ઠકકરને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.








