મોરબી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારોનું સન્માન અભિવાદન કરી લાખ લાખ વંદન કર્યા

મોરબી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારોનું સન્માન અભિવાદન કરી લાખ લાખ વંદન કર્યા
આપણે આજે સ્વતંત્રતા માણી શકીએ છીએ તેની પાછળ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલીદાન આપ્યા છે – કલેકટરશ્રી જી.ટી. પંડ્યા
‘આવો મળીને યાદ કરીએ, વીરોના એ બલિદાનને સાથે મળી સન્માનીએ માતૃભૂમિના લાલને’
મોરબી જિલ્લા કલેકટરશ્રી જી. ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જે અનવ્યે જિલ્લાના ૬ (છ) સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારોનું કલેકટરશ્રીના હસ્તે સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.

આવો મળીને યાદ કરીએ, વીરોના એ બલિદાનને સાથે મળી સન્માનીએ માતૃભૂમિના લાલને એવા ઉદેશ સાથે રાજ્યસરકાર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આઝાદીના લડવૈયાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના આદ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજી આપણા મોરબીના હતા જે આપણા માટે ગર્વની વાત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીએ અંદમાન નિકોબારની જેલમા કાળાપાણીની સજા પણ વેઠી છે. આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ થકી આપણે આઝાદી માણી શકીએ છીએ. કારણ કે આવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના લાખો બલીદાન પછી આપણને આઝાદી મળી શકી છે. આ તકે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને રાજ્ય સરકારશ્રી વતિ કલેકટરશ્રીએ લાખ લાખ વંદન કર્યા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્રજી, આર્ય સમાજ સ્થાપકશ્રી દયાનંદ સરસ્વતીજી, ખાખરેચી સત્યાગ્રહ માટે શ્રી લીંબા દેવસી પારજીયા(પટેલ), વિરમગામ સત્યાગ્રહ માટે શ્રી મોહનલાલ તુલશીદાસ પટેલ, ખાખરેચી સત્યાગ્રહ માટે શ્રી ગંગારામ બેચરભાઈ બાપોદરીયા અને ૧૯૪૨ની હિંદ છોડો ચળવળ માટે શ્રી મેઘજીભાઈ દેવજીભાઈ ડાભી સહિતના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારો/પ્રતિનિધિઓનું આ સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અને બલિદાન માટે સન્માન/અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
આ પ્રસંગને જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલબેન પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બુધાભાઈ નાકિયા, મોરબી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી સત્યજીતભાઈ વ્યાસ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.









