
28 ઓક્ટોબર 2023ના રોજ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું !
આત્મહત્યા કરનારાઓમાં મનીષભાઈ સોલંકી (35) પોતે/ રેશ્માબેન સોલંકી (32) પત્ની/ કાન્તિભાઈ (65) પિતા/ શોભનાબેન (60) માતા / દિશા (7) પુત્રી/ કાવ્યા (5) પુત્રી/ ખુશાલ (3)પુત્રનો સમાવેશ થાય છે. પરિવારના મોભી મનીષભાઈ આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભર્યું છે. મનીષભાઈએ પરિવારના સભ્યોને ઝેર આપ્યા બાદ ગળાફાંસાથી જીવ ગુમાવ્યો હતો. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો આ પરિવાર સુરતમાં વસ્યો હતો.
થોડાં પ્રશ્નો : [1] પોતાના મા-બાપને/ પોતાના સંતાનોને ઝેર આપતા મનીષભાઈએ કેટલો માનસિક સંઘર્ષ કર્યો હશે? કોઈ વિકલ્પ બચ્યો નહીં હોય ત્યારે વ્યક્તિ આ રીતે જીવન ટૂંકાવે. કોઈ પરિવાર સામૂહિક આત્મહત્યા ક્યારે કરે? શું તેમને જીવ વહાલો ન હોય? શું કુદરતે મૂકેલી જીજીવિષા તેમનામાં ન હોય? સમાજ કે તંત્ર તેમને હૂંફ નહીં આપે, મદદ નહીં કરે એવી ખાતરી થઈ હોય તો જ આત્મહત્યા કરેને? શું આ ઘટના માટે આ પરિવાર જવાબદાર છે કે આપણી વ્યવસ્થા? [2] આવી ઘટનાઓ નોટબંધી બાદ વધુ જોવામાં આવે છે, તેનું શું કારણ હોઈ શકે? શું GST/ મોંઘવારી/ બેરોજગારી/ મોંઘું શિક્ષણ વગેરે જવાબદાર નથી? [3] આત્મહત્યા કરનાર પરિવારે દહીં/ દવા/ ચીજવસ્તુઓ/ શિક્ષણના સાધનો વગેરે પર GST ચૂકવેલ હશે; પરંતુ સરકારે તેમને શું મદદ કરી? [4] આપણે આવી ઘટનાઓથી દુ:ખી થઈ ‘પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે’ તેવી શ્રદ્ધાંજલિ આપી આપણી ફરજ પૂરી કરીશું ! પરંતુ આવી ઘટનાઓમાં આપણી જવાબદારી થતી નથી? જો સરકાર મફત શિક્ષણ/ મફત આરોગ્ય સેવા ન આપે તો તેવી સરકારને ઘેર બેસાડવાની જવાબદારી દરેક નાગરિકની છે કે નહીં? આવી જવાબદારી નહીં નિભાવનાર દરેક વ્યક્તિ આ સામૂહિક આત્મહત્યા માટે જવાબદાર નથી? [5] આટલી મોંઘવારીમાં, એક પરિશ્રમી પરિવાર તેમના બાળકોને કઈ રીતે ભણાવે? તેમને શાળા-કોલેજની ઉચી ફી/ ખર્ચાઓ કઈ રીતે પોસાય? તેમને મોંધી દવાઓ/ મોંઘા ડોક્ટરના ખર્ચાઓ કઈ રીતે પોસાય? શું મફત શિક્ષણ અને મફત આરોગ્ય સેવાઓ આપવી તે સરકારની ફરજ નથી? શું સરકાર અદાણીના વિમાનમાં ફરવા માટે જ છે? [6] એક બાજુ વાઈબ્રન્ટ ગુજરાતના ઢોલ પીટાતા હોય અને બીજી બાજુ સામૂહિક આત્મહત્યાઓની ઘટનાઓ બનતી હોય તો ગંભીરતાથી વિચારવાની જરુર છે કે નહીં? [7] મુખ્યત્વે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને તેમના આતંકના કારણે આત્મહત્યાઓ થાય છે; શું સરકાર આતંકી વ્યાજખોરોને નાથી ન શકે? [8] આત્મહત્યાઓ રોકવા જો સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી શકતી હોય તો સરકાર કંઈ ન કરી શકે? [9] ડબલ એન્જિનવાળી સરકાર હોય છતાં સામૂહિક આત્મહત્યાઓ થાય તો તેનો કોઈ મતલબ ખરો? શું સરકાર આવી આત્મહત્યાઓ રોકવા કોઈ એક્શન પ્લાન ઘડી ન શકે? સરકારને આ બાબતે વિચારવા મજબૂર કરવાની જવાબદારી નાગરિકોની છે કે નહીં?rs

[wptube id="1252022"]





