Halvad: હળવદના જુના માલણીયાદ ગામે ચુંટણીનું મનદુઃખ રાખી આધેડ ઉપર જીવલેણ હુમલો

Halvad:હળવદના જુના માલણીયાદ ગામે ચુંટણીનું મનદુઃખ રાખી આધેડ ઉપર જીવલેણ હુમલો- વિશાલ જયસ્વાલ હળવદ
હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતા ધનશ્યામભાઇ હરજીભાઇ કણઝરીયા ઉવ-૪૭ ઉપર ગત તા.૧૫/૦૫ ના રોજ જુના માલણીયાદ ગામના જ ત્રણ શખ્સો આરોપી મહિપાલસિંહ મહાવીરસિંહ ઝાલા, કાનભા જાલુભા ઝાલા તથા વિજયસિંહ મહિપતસિંહ ઝાલાએ અગાઉ ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી ઘનશ્યામભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ઘનશ્યામભાઈ દ્વારા ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા.૧૫/૦૫ ના રોજ પોતે પોતાના બાઈક ઉપર ગામમાં જતા હોય ત્યારે ગામમાં આવેલ વાંકલ માતાજીના મંદિર પાસે આરોપી મહિપાલસિંહ બાઈક ઉપર સામેથી આવી ઘનશ્યામભાઈના બાઈક સાથે અથડાવી તેઓને પાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ એકસંપ કરી ઘનશ્યામભાઈને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન આરોપી મહિપાલસિંહે ઘનશ્યામભાઈને મારી નાખવાના ઇરાદે તેમની છાતી ઉપર બેસી ગળુ દબાવી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે ત્રણેય આરોપીઓએ એકસંપ થઈને કરેલા હુમલામાં ઘનશ્યામભાઈને શરીરે મૂંઢ ઇજા પહોંચી હતી. હાલ હળવદ પોલીસે સમગ્ર બનાવની નોંધાવેલ ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.








