
તા.૨/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“પોતાનું કહી શકાય તેવું કોઈ મારા પડખે ન હતું ત્યારે આ ગરીબ અને નિરાધાર વિધવાની પડખે સરકાર પરિવાર બનીને ઉભી રહી, મારી ચિંતા સરકારે કરી” – લાભાર્થી નીતાબેન પરમાર
Jetpur: “પોતાનું કહી શકાય તેવું કોઈ મારા પડખે ન હતું ત્યારે આ ગરીબ અને નિરાધાર વિધવાની પડખે સરકાર પરિવાર બનીને ઉભી રહી, મારી ચિંતા સરકારે કરી. મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોવાથી અધિકારીઓએ મારા ઘરે આવી આધારકાર્ડ, રાશન કાર્ડ, બેંકમાં ખાતું પણ ખોલી દીધું. આરોગ્યના સ્ટાફ દ્વારા ટી.બી.ની મારી યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. મારા બાળકોને સમયસર ખાવાનું મળી રહે તે માટે મફત અનાજ મેળવવા રાશનકાર્ડ પણ આપ્યું છે. સરકારની યોજનાઓના લાભો મને ઘરે આવી આપવા બદલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જેતપુર વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગનો ખુબ ખુબ આભાર માનું છું.” સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ભાવવિભોર સ્વરે કહેલા આ શબ્દો છે નીતાબેન પરમારનાં.

જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં નાનાં એવા ઝૂંપડામાં રહેતા નીતાબેન પરમાર ટી.બી. (ટયુબરકલોસીસ)ની બીમારી સામે ઝઝુમી રહ્યા છે. નીતાબેનના પતિ મુન્નાભાઈ પરમાર ટી.બી.ની બીમારીમાં જ થોડા સમય પહેલા અકાળે અવસાન પામ્યા. જેતપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને હાથ ધરાયેલા ટી.બી. સ્ક્રીનીંગ દરમિયાન નીતાબેનને પણ ટી.બી.ની બીમારી આવી. જેતપુર તાલુકાના ટી.બી. સુપરવાઈઝર એવા શ્રી દિનેશભાઈ રાઠોડ દ્વારા નીતાબેનની જરૂરી તમામ સારવાર સુચારૂ થઈ શકે તથા સરકારના મળવાપાત્ર તમામ લાભો નિરાધાર વિધવાને મળે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા.
ઝૂંપડામાં રહેતા નીતાબેન પાસે એક પણ ડોક્યુમેન્ટ ન હોવાથી પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારાનાં દિશા નિર્દેશ હેઠળ જેતપુર શહેર મામલતદાર શ્રી જયદીપ સેંજરિયા(ઈ.ચા.), તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકાની વહીવટી તંત્ર ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે માનવીય અભિગમ દાખવી આધારકાર્ડ, આવકનો દાખલો સહિત જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઘરે જઈને કાઢી આપવામાં આવ્યા.

રાજ્યના જરૂરિયાતમંદ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તળે વિના મૂલ્યે અનાજનો લાભ આપવા રાશનકાર્ડ કાઢી આપવામાં આવ્યું. લાભાર્થીને મળતી તમામ સહાય સીધા તેના બેંક ખાતામાં મળી શકે તે માટે જન ધન બેન્ક એકાઉન્ટ પણ ખોલી આપવામાં આવ્યું.
વિધવા મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર શ્રી દ્વારા અમલી ગંગાસ્વરૂપા યોજના અંતર્ગત વિધવા સહાયનો પણ હુકમ અપાયો છે. ટી.બી.ના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે ત્યારે નિક્ષય મિત્ર બનીને નીતાબેનને પોષકયુકત આહારની કીટ પણ આપવામાં આવી છે. તદુપરાંત તેઓને દર મહિને નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત રૂ. ૫૦૦ ખાતામાં જમા કરવામાં આવશે. નીતાબેનને સંતાનમાં ૨ દીકરા અને ૨ દીકરી છે. આગામી સમયમાં તેઓના પણ આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ બનાવવાની કાર્યવાહી મામલતદારશ્રી દ્વારા હાથ ધરવામાં આવી છે. બાળકોને શાળા પ્રવેશ સાથે સારું શિક્ષણ મળી રહી તે માટે જરૂરી તમામ પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આમ, છેવાડાના માનવીનું કલ્યાણ થાય અને દેશના તમામ નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખભેથી ખભા મિલાવીને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરી રહી છે. જરૂરિયાતમંદ પરિવારના કલ્યાણની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત સતત અને અવિરત પ્રયત્ન કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ‘GYAN’: G-ગરીબ, Y-યુવા, A-અન્નદાતા (કિસાન), N-નારી શક્તિનું સૂત્ર આપી ચારેય વર્ગના કલ્યાણથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ છે ત્યારે ચારેય વર્ગનાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.
નોંધનીય છે કે, યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અનુસાર, તમામ દેશોએ ૨૦૩૦ સુધીમાં ટી.બી. નાબૂદીનું લક્ષ્ય નક્કી કર્યું છે. પરંતુ દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે, ભારતમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ટી.બી. નાબૂદ થાય. આ માટે કેન્દ્ર સરકાર “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન”ને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રહી છે અને આ અભિયાનને જન ચળવળ બનાવવા માટે જોરશોરથી દરેક સ્તરે પ્રયાસો કરી રહી છે. જેમાં દર્દીઓને મફત દવાઓ અને નિદાનની જોગવાઈ, સ્ક્રીનીંગ અને સારવાર સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા સહિત અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.








