ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારજનોને 1 કરોડનું વળતર આપશે પંજાબ સરકાર
ખેડૂત આંદોલન વચ્ચે પંજાબની આમ આદમી પાર્ટી સરકારે મોટી જાહેરાત કરી

ખેડૂત આંદોલન વચ્ચે પંજાબની આમ આદમી પાર્ટી સરકારે મોટી જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે તે ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂત શુભકરન સિંહના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપશે. સાથે જ ખેડૂતની નાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પર કહ્યું, “મૃત્યુ પામેલા ખેડૂત શુભકરનના પરિવારને પંજાબ સરકાર એક કરોડનું વળતર આપશે. શુભકરનની નાની બહેનને પંજાબ સરકાર તરફથી નોકરી આપવામાં આવશે. દોષિતો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, ફરજ નીભાવી રહ્યાં છીએ.”
ખેડૂત MSP સહિત પોતાની અન્ય માંગોને લઇને દિલ્હી કૂચની તૈયારીમાં હતા. ખેડૂતોનો દાવો છે કે આ દરમિયાન પોલીસ સાથે અથડામણમાં ખનૌરી બોર્ડર પર 22 વર્ષના ખેડૂતનું મોત થયું હતું.
પંજાબના ભટિંડા જિલ્લાના રામપુરા ફૂલ શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર બલોહ ગામમાં શુભકરણ સિંહના પરિવારજનો અને ગ્રામજનો શબની રાહ જોતા રહ્યાં હતા. લોકોએ જણાવ્યું કે શુભકરન સિંહ ઘણો મહેનતી હતો, તેને લીજ પર ખેતી કરવા માટે જમીન લીધી હતી. તે મહેનત કરીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો, તેને પોતાના સપના પૂર્ણ કરવાના હતા. એક મિત્રએ જણાવ્યું કે શુભકરન અને તેના કાકા ચરણજીત સિંહે 20 એકર જમીન લીઝ પર લીધી હતી. શુભકરને 12માં ધોરણનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તે એક સફળ ખેડૂત બનવા માંગતો હતો, માટે તે ખેતી કરવા લાગ્યો હતો.