
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ બેકાબુ બની હતી, અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કનિના-દાદરી રોડ પર થયો હતો.
મળતી માહિતી મુજબ ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી, જેમાં લગભગ 35 થી 40 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે આજે સરકારી રજાના દિવસે પણ શાળા ચાલુ રાખવામાં આવી હતી. બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું. પાંચ બાળકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એકની હાલત નાજુક હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું અને મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ.
અકસ્માત બાદ સ્થાનિક લોકો બાળકોને બચાવતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અકસ્માત બાદ બસ પલટી ખાઈ ગઈ હતી, લોહીથી લથપથ બાળકો પણ નજીકમાં જોવા મળે છે, જેમને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બસનું ફિટનેસ સર્ટિફિકેટ પણ સમાપ્ત થઈ ગયું હતું અને ફિટનેસ સર્ટિફિકેટ વિના બસ બાળકોને લઈ જવા માટે દોડતી હતી.
માહિતી મુજબ, આ અકસ્માત વાહનને ઓવરટેક કરતી વખતે થયો હતો. બીજી તરફ બસ ચાલક દારૂના નશામાં હોવાની માહિતી મળી છે. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેને મેડિકલ સારવાર માટે મહેન્દ્રગઢ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.











