
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા પંચાયતમાં વાડી યોજનામાં આંબાની કલમો ન આપી આચરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસની માંગ..
ડાંગ જિલ્લામાં વાડી યોજનામાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાના આક્ષેપ સાથે ડાંગ કોંગ્રેસનાં પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ કલેક્ટરને રજૂઆત કરી તપાસના આદેશ આપવા માંગ કરી છે.
ડાંગ જિલ્લાનાં કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી અને આરટીઆઇ એક્ટિવીસ્ટ જમનાદાસ વાઢુ (વાડેકર)એ આહવા, વઘઇ અને સુબિર તાલુકા પંચાયતની મનરેગાની ગ્રાન્ટ 2022-23 હેઠળ કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવી હતી. જેમાં વાડી
યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઇ આવ્યું હતું. આરટીઆઇ હેઠળ મળેલી માહિતીમાં વાડી યોજનામાં જે પણ ખેડુતો દર્શાવેલા છે. અને એની સામે આંબા કલમ 20, 50, 100, 200 અને 250 જે બતાવેલા છે. જેમાં અમુક પુરતી કલમ મળેલી નથી. જેથી તેઓએ ખેડૂતોને મળી ખેતરમાં જઇને રૂબરૂ ખાત્રી પણ કરી હતી.
ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકા પંચાયતમાં વાડીયોજનામાં અધિકારીઓ દ્વારા જે ખર્ચ બતાવેલો છે. જે કરોડો રૂપિયામાં થાય છે. અને આ કરોડો રૂપિયા ક્યાં ખર્ચ કરવામાં આવ્યો છે ? કોના મારફત ખર્ચ કરવામાં આવેલો છે. ? કોને ચુકવણું કરવામાં આવેલું છે ? તેવા અનેક સવાલ સાથે તપાસની માંગ કરી છે.
તપાસ કરાવવામાં નહીં આવે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી
આંબા કલમ એકંદરે રૂ.50 થી 60 માં આવે છે. પરંતુ આંબા કલમ કુલ 78,390 કે જેની કિંમત ભાગતા 180 રૂપિયા જણાય છે. બાકીના નાણાં કોઇને મળેલા નથી. ત્યારે આ કરોડોનો ખર્ચ કરીને કોના ખિસ્સા ભરવામાં આવ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. આ સમગ્ર મામલાને લઈને જમનાદાસ વાઢુ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તપાસના આદેશ આપવા માટેની માંગ કરી છે. કલેક્ટર દ્વારા જો યોગ્ય તપાસ કરાવવામાં નહીં આવે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.