
રફાળેશ્વર મેળામાં શિવ ભક્તિને ઉજાગર કરતા ભક્તિસભર કાર્યકમો યોજાયા
મોરબી નજીક આવેલા સૌથી પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય શ્રાવણી અમાસનો લોકમેળો ભરાયો હતો. જેમાં આ વખતે પ્રથમ વખત જ રફાળેશ્વર મેળામાં શિવ ભક્તિને ઉજાગર કરતા ભક્તિસભર કાર્યકમો યોજાયા હતા. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત શિવતરંગ મેળામાં શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી, ભગવાન શિવના ગુણગાન ગાતા ગીતો ભજનોની રમઝટ બોલી હતી. આથી બે દિવસીય મેળા હજારો લોકો માટે મનોરંજન ગૌણ અને શિવભક્તિ કેન્દ્ર સ્થાને રહી હતી.
રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં શ્રાવણી અમાસ નિમિતે બે દિવસ સુધી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મનોરંજન સાથે ભગવાનની શિવની મહિમાને ઉજાગર કરતા શિવ તરંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જ બે દિવસીય અમાસના પોરોણીક મેળાનો પ્રારંભ થયો હતો. જો કે આ વખતે બે અમાસ હોવાથી મેળો શરૂ થતાની સાથે જ ગઈકાલે પણ હજારો લોકો ઉમટી પડતા આ મેળામાં ફજેત,, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સ તેમજ ખાણી-પીણીના સ્ટોલ ધમધમવા લાગ્યા હતા. તેમજ વર્ષોની પરંપરા મુજબ રાતભર ભજનની રાવટીઓ ધમધમી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ભજનો સાથે મેળાની મોજ માણી હતી. તેમજ હજારો લોકોએ પિતૃતર્પણ કર્યું હતું.
ખાસ શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખવા આ વખતે પ્રથમ વખત રફાળેશ્વર મેળાને શિવ તરંગ મેળો એવું નામ આપવામાં આવ્યું છે. ખાલી નામ ખાતર જ નહીં પણ ખરા અર્થમાં શિવ ભક્તિ કરવામાં આવી હતી. એટલે આ શિવ તરંગ મેળામાં હરિયાણાના પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા શિવ તાંડવ નૃત્ય, મહાકાલ ઝાંખી, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભગવાન શિવની ભક્તિનો મહિમાં રજૂ કરતા ગીતો, ભજનોની રમઝટ બોલી હતી અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. એમાં પણ શિવ ભક્તિ જ મુખ્ય હતી. ક્યાંય પણ મર્યાદા લોપાય એવા કોઈ મનોરંજનના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જ ન હતા