
તા.૧૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ ઉપયોગી નીવડશે
રક્તદાન હોય, ચક્ષુદાન હોય, અંગદાન હોય કે ત્વચાદાન હોય, દાન જેવું ઉમદા કાર્ય સદાય અન્ય વ્યક્તિના જીવનમાં આશાની કિરણ લાવે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યની સૌ પ્રથમ સરકારી સ્કીન બેંક કાર્યરત છે. જેમાં અત્યાર સુધી ત્રણ સ્કીન ડોનેશન બાદ તાજેતરમાં ચોથું સ્કીન ડોનેશન મળ્યું છે.

સ્વ. મયંકભાઈ વાઘેલા ગત તા. ૧૧ જુલાઈના રોજ અવસાન પામ્યા હતા. તેમના પરિવાર દ્વારા તેમના અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિજનોએ જનકલ્યાણ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી ઉમેશભાઈ મહેતાનો સંપર્ક કર્યો. શ્રી ઉમેશભાઈ મહેતાએ સરકારી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેંકનો સંપર્ક કર્યો. સ્કીન બેંકની ટીમએ તાત્કાલીક સ્કીનનું હાર્વેસ્ટીંગ કર્યા બાદ સ્કીન ડોનેશનમાં મેળવી હતી. મહત્વનું છે કે આ સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ ઉપયોગી નીવડશે.
ઉલ્લેખનીય છે કે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનાં તબીબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડાશ્રી ડો. મોનાલીબેન માંકડીયા સ્કીન ડોનેશન માટે લોકો સજાગ થાય, તે હેતુસર હંમેશા પ્રત્યનશીલ છે તેમ તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.








