JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢ ઝાંઝરડા રોડ પર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે જૂનાગઢ પંથકમાં ત્રણ અને વિસાવદર પંથકમાં સાંજ સુધી ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે વાવણીની રાહ જોઈ રહેલા ખેડુતો તેમજ આગોતરી વાવણી કરી ચુકેલા ખેડૂતોના મોલ પર કાચુ સોનું વરસ્યાનો અહેસાસ થયો હતો
શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સવારથી સાજે છ વાગ્યા સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.તો બીજી તરફ વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ છતી કરી છે. શહેરનાં ઝાંઝરડા રોડ તરફના અંડર બ્રિજમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા વાહનો ફસાયા હતા ઉપરાંત સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત સમગ્ર સોરઠ પંથકમાં સૌથી વધુ વિસાવદરમાં ચાર ઈંચ વરસાદ વરસતા શહેરની હવેલી શેરીમાં નદીની માફક પાણી વહેતા થયા હતા. તો વિસાવદર એસટી બસ સ્ટેન્ડથી પોલીસ સ્ટેશન તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.
પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.
વરસાદી સીઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જિલ્લાના વિસાવદરમાં સવારથી અત્યાર સુધી ચાર ઈચથી વધુ વરસાદ વરસ્યો છે ઉપરાંત વંથલી, કેશોદ, ભેસાણ, મેંદરડા અને માણાવદર પંથકમાં એક ઈચ જેવો વરસાદ નોંધાયો છે, જ્યારે માંગરોળ અને માળિયા હાટીના પંથકમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા છે, સમગ્ર સોરઠમાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી છે, તો બીજી તરફ આગોતરી વાવણી કરેલ ખેડૂતો તેમજ વાવણી લાયક વરસાદ ની રાહ જોઈ બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસાવદર તાલુકાના ગ્રામ્ય પંથક તેમજ શહેર પંથકમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી જોવા મળ્યા હતા, તો બીજી તરફ લોકોએ વાવણી શરૂઆત કરી દીધી છે. કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજાની પંથકમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આવનાર ૦૨,જુલાઈ સુધી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button