
વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023
કોમન યુનિવર્સિટી બિલ વિધાનસભામાં પાસ થઈ ગયા બાદ વડોદરાની આગવી ઓળખ સમી એમ.એસ.યુનિવર્સિટીની સ્વાયત્તા ખતમ થઈ ગઈ છે.
વડોદરામાં કેટલાક લોકો એવા પણ છે જેઓ બિલ પસાર થઈ ગયા બાદ પણ તેના વિરોધમાં સરકાર સામે લડત આપીને યુનિવર્સિટીને બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે. જેમાં બુસા, બુટા, સેવ એજ્યુકેશન કમિટિ, અભિવ્યકિતની આઝાદી જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.
આ પત્રમાં જણાવાયુ છે કે, વડોદરા શહેર જિલ્લાના ભાજપના નવ ધારાસભ્યો જો કોમન યુનવિર્સિટી બિલમાંથી એમ.એસ.યુનિવર્સિટીને બાકાત રખાવે તો ખરેખર છપ્પનની છાતી ધરાવતા હોય તેવુ કહેવાય. બાકી સરકારે તો આ યુનિવર્સિટીને ટકે શેર ભાજી અને ટકે શેર ખાજાની…જેમ અન્ય યુનિવર્સિટીઓ જેવી જ ગણી નાંખી છે. ભાજપના ધારાસભ્યોએ વડોદરાની પ્રજાના હિતમાં યુનિવર્સિટીમાં કોમન બિલ લાગુ કરવાનો વિરોધ કરવો જોઈએ.
સાથે સાથે ગુજરાતના શિક્ષણ મંત્રીને કાળી બંગડી મોકલવામાં આવી હતી અને તેમને બંગડીની સાથે પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયુ હતુ કે, એ યુ પટેલ જેવા કહેવાતા શિક્ષણવિદો ઉચ્ચ શિક્ષણની ઘોર ખોદવા માટે તમારો બલીના બકરાની જેમ ઉપયોગ કરી રહ્યા છે. વડોદરાની જનતામાં આ બિલ સામેના રોષને પારખીને હજી પણ બિલ પાછુ ખેંચી લેવા માટે સમય છે. તમને વિનંતી છે કે, વિવેકપૂર્વક બિલને પાછુ ખેંચીને યુનિવર્સિટીમાં રહેલી લોકશાહી મૂલ્યો વાળી વ્યવસ્થાને યથાવત રાખો.










