
હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદે ફરી તારાજી સર્જી છે. કેટલાક દિવસોથી રાજ્યમાં ઘણા સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. પહાડો પર બનેલા મકાનો પત્તાના મહેલની જેમ તૂટી રહ્યા છે. હિમાચલમાં છેલ્લા 3 દિવસમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત રૂ.7.5 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. નુકસાનનો આ આંકડો હજુ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 71 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 13 લોકો હજુ પણ ગુમ છે. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણના કાર્યને “પર્વત જેવો પડકાર” ગણાવ્યો હતો. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે તેમના રાજ્યને આ ચોમાસામાં ભારે વરસાદને કારણે બરબાદ થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી બનાવવામાં એક વર્ષ લાગશે અને દાવો કર્યો કે લગભગ રૂ.10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વાયુસેનાએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં 780 થી વધુ લોકોને બચાવ્યા છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે વેસ્ટર્ન એર કમાન્ડના હેલિકોપ્ટરે છેલ્લા 48 કલાકમાં 50 થી વધુ ઉડાન ભરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે ભૂસ્ખલન અને પૂરના કારણે ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા બાદ મૃત્યુઆંક વધી ગયો હતો. હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદને કારણે શિમલાના સમર હિલ, કૃષ્ણા નગર અને ફાગલી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. એનડીઆરએફ, ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી બચાવાયેલા લોકો માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે રાહત કેમ્પ પણ બનાવવામાં આવ્યા છે.
મંડી, શિમલા, કુલ્લુ, સિરમૌર જિલ્લા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં 1,220 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે બુધવારે પણ બે હજારથી વધુ રૂટ પ્રભાવિત થયા હતા. પીવાના પાણીના સ્ત્રોતોમાં ગાબડું પડવાને કારણે લોકોના ઘરે પાણી નથી પહોંચી રહ્યું. ખાનગી મિલકતોને ભારે નુકસાન થયું છે. સેંકડો સ્થાનિક લોકો નિઃસહાયપણે તેમના ઘરો ધરાશાયી થતા જોયા હતા. અનેક ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે ખેડૂતોને અભૂતપૂર્વ નુકસાન થયું છે.










