
તા.૨૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાતની ધરતીના જળના તળ વધુ સમૃદ્ધ કરવા અને ગુજરાતમાં જળક્રાંતિના સર્જન માટે રાજ્ય સરકારે ‘‘સુજલામ સુફલામ જળસંચય અભિયાન’’ શરૂ કર્યું છે. જે અંતર્ગત જળસંચયને લગતી વિવિધ કામગીરી વેગવાન બની રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં હાલ છ જેટલા ચેકડેમોની ઓળખ કરી તેમને ઊંડા ઉતારવાની તેમજ રીપેરિંગની કામગીરીનું સઘન આયોજન કરવામાં આવી રહયું છે.
રાજકોટ સિંચાઈ પ્રોજેક્ટ વિભાગ-જેતપુરના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી વાય.ડી. ભુવાના જણાવ્યા પ્રમાણે, હાલના તબક્કે જેતપુર તાલુકામાં વિવિધ ચેકડેમોની ઓળખ કરાઈ છે. જેમાં દેવકીગાલોળ ગામના એક ચેકડેમનું ડીપનિંગ તેમજ રીપેરિંગ કરાશે. થાણાગાલોળ ગામના અન્ય એક ચેકડેમનું રીપેરિંગ થશે. જ્યારે મોટા ગુંદાળા ગામ પાસેના બે ચેકડેમનું રીપેરિંગ અને ડીપનિંગ કરાશે. અમરાપર ગામ પાસેના બે ચેકડેમનું ડીપનિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ચેકડેમોના ડીપનિંગનું કામ સંપૂર્ણ લોકભાગીદારીથી કરવામાં આવશે.