
વલસાડ જિલ્લામાં તા. ૧૭ મી સપ્ટેમ્બર થી તા. ૨ જી ઓકટોબર સુધી આયુષ્માન સેવા પખવાડિયું ઉજવાશેઃ
*તા. ૨ જી ઓકટોબરના રોજ દરેક ગ્રામ પંચાયત અને વોર્ડોમાં ગ્રામસભા યોજાશેઃ*
માહિતી બ્યુરોઃ વલસાડઃ ૦8ઃ રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી તા. ૦૨ જી ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે તેને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં પણ આયુષ્માન ભવઃ અભિયાનની શરૂઆત તા. ૧૩ મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા સીવીલ હોસ્પિટલ વલસાડ ખાતે કરાશે.
આ અભિયાન અંતર્ગત તા. ૧૭ મી સપ્ટેમ્બરથી તા. ૨ જી ઓકટોબર સુધી આયુષ્માન સેવા પખવાડિયું ઉજવવામાં આવનાર છે. જેમાં પી. એમ. જે. એ. વાય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવવાની અને વિતરણની કામગીરી માટે ઝૂંબેશ સ્વરૂપે શરૂ કરાનાર છે. આ કાર્યક્રમ જિલ્લાના દરેક તાલુકા સ્તરે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવશે. ઉપરાંત તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન સીવીલ હોસ્પિટલ ખાતે આયોજીત કરવામાં આવ્યું છે. આ જ પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પો સી. એચ. સી. પર પણ હાથ ધરાશે. તેવી જ રીતે સી. એચ. સી., પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે અંગદાનના શપથ અને અભિયાનના દર સોમવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
આ સેવા પખવાડિયામાં દર અઠવાડિયાના શનિવારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય મેળા તેમજ દર ગુરૂવારે સી. એચ. સી. ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. જેમાં ઓબ્સ્ટેટ્રિક અને સ્ત્રીરોગ, બાળરોગ, સર્જરી, આંખ, કાન, નાક અને ગળા, દાંત અને મનોરોગના નિષ્ણાંતો દ્વારા લાભાર્થીઓની તપાસણી કરી સારવાર આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૨ જી ઓકટોબર, ૨૦૨૩ ના રોજ ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રામ્ય સ્તરની ગ્રામસભા અને વિવિધ આરોગ્ય સંભાળ માટે જાગૃત્તિ વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ(વી. એચ. એસ. એન. સી)/શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્માન સભા યોજાશે. જેમાં આયુષ્માન સભા થકી ગ્રામ્ય કક્ષાએ વી. એચ. એસ. એન. સી. ની મીટીગો દ્વારા પ્રચાર- પ્રસાર કરી પી. એમ. જે. એ. વાય. કાર્ડની ઉપયોગિતા અને વિતરણ, આભા કાર્ડ બનાવવા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા બિન ચેપી રોગો અને ક્ષય, રકતપિત, રોગોનું નિર્મુલન વિગરે જેવા રોગો, પ્રજનન અને બાળ આરોગ્યને લગતા પ્રશ્નો, રસીકરણ, સ્વચ્છતા પોષણ, એનીમિયા, સીકલસેલ, કુટુંબ કલ્યાણ વગેરે અંગે સમુદાયમાં જાગૃત્તિ ફેલાય તે પ્રકારની કામગીરી જિલ્લા વહીવટીતંત્રઅને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનમાં રહીને કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા અધિકારી ર્ડો. કિરણ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. વિપુલ ગામીત, આર.સી. એચ. ઓ. ર્ડો..એ. કે. સિંઘ, રોગચાળા નિયંત્રણ અધિકારી ર્ડો. મનોજ પટેલ, તેમજ તાલુકા હેલ્થ ઓફિસરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો, જિલ્લા કક્ષાના અન્ય આરોગ્ય અધિકારીઓ અને કમર્ચારીઓ ઉપસ્થિત રહયા હતા.










