
30 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આજરોજ મુન્દ્રામાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજવામાં આવેલી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું એવા કલાપૂર્ણ સોસાયટીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યાંથી સ્વામિનારાયણ મંદિરે લોહાણા, ખારવા, દેવીપૂજક તથા સમસ્ત બ્રહ્મ સમાજ સહિત વિવિધ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઝાંખીઓ સાથે શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર પસાર થઈ માંડવી ચોકથી ખારવા ચોક મધ્યે આવેલ રામમંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન રામ, લક્ષ્મણ, જાનકીને હનુમાનજીની વેશભૂષા સાથે તૈયાર કરવામાં આવેલા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિશાળ જનમેદનીને ધ્યાને લઈ શોભાયાત્રા શહેરના શાસ્ત્રી મેદાનમાં સભાના રૂપમાં ફેરવાઈ હતી જ્યાં 11 વખત હનુમાન ચાલીસા પાઠનું સામુહિક એકધારું પઠન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, બબજરંગદળ તથા સમસ્ત હિંદુ સમાજના રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર દિવસ દરમિયાન શહેરનો માહોલ ધર્મમય જોવા મળ્યો હતો.








