
મુંબઈ: વ્યાજદરમાં વધારો થવાથી વ્યક્તિગત ઋણધારકોને રાહત આપવા રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયાએ બૅંકોને ફલોટિંગ વ્યાજદરથી નિશ્ર્ચિત વ્યાજદરનો વિકલ્પ આપવા નિર્દેશ આપ્યા છે. આરબીઆઈએ શુક્રવારે એક જાહેરનામામાં કહ્યું કે, લોન મંજૂર કરતી વખતે વ્યાજદરમાં ફેરફારની સંભવિત અસર લોન આપનારી સંસ્થાઓએ (આરઈ-રેગ્યુલેટેડ એન્ટીટીસ) ઋણધારકોને સ્પષ્ટ જણાવવી જરૂરી છે. ઈએમઆઈ (ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ) અથવા લોન ભરપાઈ કરવાની મુદતમાં વધારો થયા પછી ઋણધારકોને તત્કાળ જણાવવું જરૂરી છે.
ઋણધારકોને ઈએમઆઈની રકમમાં વૃદ્ધિ અથવા મુદત લંબાવવાનું અથવા બંને વિકલ્પનું સંયોજનમાંથી પસંદ કરવાનો વિકલ્પ આપવો જોઈએ. કોઈપણ સમયે લોનના પ્રિપેમેન્ટ, આંશિક અથવા સંપૂર્ણ, કરવાનો વિકલ્પ પણ આપવો તેવું રિઝર્વ બૅંકે બૅંકોને કહ્યું છે.
ફ્લોટિંગ વ્યાજદર (આરબીઆઈના બેન્ચમાર્ક રેપોરેટમાં વધારો/ઘટાડાને સુસંગત)થી ફીકસ્ડ રેટ (નિશ્ર્ચિત વ્યાજદર)નો વિકલ્પ લેવામાં લાગૂ પડતા બૅંકચાર્જ સ્પષ્ટ જણાવવા જરૂરી છે.
આ સૂચનાઓનો અમલ હાલમાં અમલી લોન અને નવી લોન પર ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પાલન કરવા બૅંકો અને નોન-બૅંકિંગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી)ને કહેવામાં આવ્યું છે.
મૂળ રકમ અને પ્રાપ્ત કરેલ વ્યાજ, ઈએમઆઈની રકમ, કેટલા ઈએમઆઈ બાકી છે તે લોનની સમગ્ર મુદત માટેનો વાર્ષિક ધોરણે ગણેલો વ્યાજદર/વાર્ષિક પર્સેન્ટેજ રેટ જેવી વિગતો ધરાવતું સ્ટેટમેન્ટ ઋણધારકોને દરેક ક્વાર્ટર પછી આપવા બૅંકોને નિર્દેશ આપવામાં આવ્યા છે.
—————
ડિફોલ્ટરે દંડ પર વ્યાજ ભરવું નહીં પડે
મુંબઇ: લોન રિપેમેન્ટમાં નિષ્ફળ જનારા ઋણધારકો પર વધુ વ્યાજ લાદવાની બૅન્કો અને અન્ય સંસ્થાઓની કાર્યવાહી પર રિઝર્વ બૅન્કે લગામ કસી છે. નવા ધારાધોરણો અનુસાર ડિફોલ્ટર પાસેથી ફક્ત વાજબી રકમ ચાર્જ તરીકે લેવામાં આવશે. ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી બૅન્કો અને ઋણ આપનારી અન્ય સંસ્થાઓ પીનલ ઇન્ટરેસ્ટ (દંડાત્મક વ્યાજ) લાદવાની છૂટ નહીં મળે તેવું આરબીઆઈએ શુક્રવારે બહાર પાડેલા એક જાહેરનામામાં કહ્યું છે. આરબીઆઈએ જાહેરનામામાં કહ્યું કે “ઋણધારક લોન કોન્ટ્રેક્ટની શરતો પૂરી નહીં કરી શકે તો તેની પાસેથી ‘ચાર્જિસ’ તરીકે લેવાના રહેશે અને આપેલી રકમ પર લેવાયેલા વ્યાજદરના દરમાં ઉમેરી નહીં શકાશે.
દંડની રકમ વ્યાજબી રહેવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. ચાર્જની રકમ પર વ્યાજ લગાવી શકાશે નહીં. ઋણધારકમાં ઋણ ચુકવવાની શિસ્ત જાળવવાની ભાવનાથી પેનલ ઇન્ટેરેસ્ટ/ચાર્જિસ લાદવામાં આવતા હોય છે, પણ બૅન્કની આવક વધારવા ઉપયોગ કરવાની ભાવના નથી તેવું આરબીઆઈએ કહ્યું છે.
ક્રેડિટ કાર્ડ, એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ, ટ્રેડ ક્રેડિટ્સ વિગેરે પર આ નવા જાહેરનામાની જોગવાઈ લાગૂ પડશે નહીં તેવું આરબીઆઈએ કહ્યું છે.






