
તા.૨૯/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: જેતપુરની રબારીકા ચોકડી પાસે આજે એક છકડો રિક્ષાને ગંદા પાણીના ટેન્કરે અડફેટે લેતા રીક્ષા ચાલકનું છકડો અને ટેન્કર વચ્ચે ચગદાઈને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. છકડો ચાલકના મૃતદેહનું પોટલું ભરી પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવો પડ્યો હતું.

જેતપુરમાં શહેરમાં સાડીઓના કારખાનામાંથી ગંદુ પાણી ભરતા ટેન્કરો બેફામ દોડી વારંવાર અકસ્માતો સર્જે છે. જેમાં ઘણી માનવ જિંદગીઓ પણ હોમાઈ ગઈ છે. બે દિવસ પૂર્વે ગંદા પાણીના ટેન્કરે બે વર્ષના બાળકને કચડી નાખતા બાળકનું સ્થળ પર જ મોત નિપજેલ હતું. જ્યારે આજે રબારીકા ચોકડી પાસે એક છકડો રીક્ષા શેરીમાંથી રોડ પર ચડતા જ જેતપુર તરફ આવતા ગંદા પાણીના ટેન્કરે રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો રીક્ષા ચાલકનું શરીર છૂંદાઈને અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયું હતું.

નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. સ્થળ પર ઉદ્યોગનગર પોલીસ પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવી છકડો ચાલકના મૃતદેહને એક પોટલામાં ભરી પીએમ માટે સરકારી હોસ્પીટલ મોકલી અકસ્માતની તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં મરણ ગયેલ યુવાનની થોડીવારમાં જ ઓળખાણ થઈ ગયેલ. મૃતક શહેરના અમરનગર રોડ પર રહેતા ભાવેશભાઈ કાનજીભાઈ વોરા હોવાનું અને સંતાનમાં તેને ઝલક ઉવ ૮ અને ખુશી ઉવ ૬ બે પુત્રીઓ હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં ભાવેશભાઈનું મોત થતા બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.









