
લદ્દાખમાં એક મોટો અકસ્માત થયો છે. સેનાની એક ટ્રક ખીણમાં પડી ગઈ હતી જેના કારણે 9 જવાનોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માત ક્યારીથી 7 કિલોમીટરના અંતરે થયો હતો. ભારતીય સેનાના જવાનો ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા. આ ટ્રકમાં બે જુનિયર કમિશન્ડ ઓફિસર અને સાત જવાન હતા. તે તમામના મોત થયા છે.
સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને એસયુવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખીણમાં પડી ગયું હતું. જવાનો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.
તેમજ ડિસેમ્બર 2022માં સિક્કિમમાં એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 16 સૈન્યના જવાનો માર્યા ગયા હતા. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં થયો હતો. સેનાના ત્રણ વાહનો સવારે સૈનિકોને લઈને જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો ત્યારે ગેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે વાહન ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને વાહન નીચે ખીણમાં પડી ગયું હતું. જેમાં 4 ઘાયલ જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.