
લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન થયું હતું. આ સાથે ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થયું હતું. આજનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. સાંજે 5 વાગ્યા સુધી 56.68 ટકા મતદાન થયું છે. જેમાં બંગાળમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું છે.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 5 વાગ્યા સુધી 56.68 ટકા સરેરાશ મતદાન થયું છે. આ સાથે 8 રાજ્યોના કેટલું મતદાન થયું તેના પણ આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે સાંજે સમાપ્ત થયું. આ સાથે જ 428 લોકસભા સીટો પર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ ચાર તબક્કામાં 379 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. પાંચમા તબક્કામાં 49 સંસદીય ક્ષેત્રોમાં મતદાન થયું હતું. આ તબક્કામાં, ઉત્તર પ્રદેશમાં લખનૌ, રાયબરેલી અને અમેઠી અને મહારાષ્ટ્રમાં ઉત્તર મુંબઈ, દક્ષિણ મુંબઈ જેવી લોકપ્રિય બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. પાંચમા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 56.68 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી અંતિમ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. આ તબક્કામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડી રહ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધી અહીં 49.88 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી મેદાનમાં હતા, જ્યાં સાંજે 5 વાગ્યા સુધી 56.26 ટકા મતદાન નોંધાયું હતું. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તરથી ઉમેદવાર હતા, જ્યાં સાંજે 5 વાગ્યા સુધી 46.91 ટકા મતદાન નોંધાયું હતું.
સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. સાંજે 5 વાગ્યા સુધી 52.68 ટકા મતદાન થયું હતું. જો ઉત્તર પ્રદેશની કૈસરગંજ સીટની વાત કરીએ તો જ્યાં સુધી આંકડા આવ્યા ત્યાં સુધી 53.92 ટકા મતદાન થયું હતું. 5માં તબક્કામાં જ્યાં મતદાન થયું હતું તે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. આ તબક્કામાં વૃદ્ધ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવ્યા હતા. પાંચમા તબક્કામાં 85 વર્ષથી વધુ ઉંમરના 7.81 લાખથી વધુ નોંધાયેલા મતદારો હતા. 100 વર્ષથી વધુ ઉંમરના 24,792 મતદારો અને 7.03 લાખ શારીરિક વિકલાંગ (PWD) મતદારો હતા.
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ ચાર તબક્કામાં લગભગ 66.95 ટકા મતદાન થયું હતું. પ્રથમ ચાર તબક્કામાં લગભગ 45 કરોડ 10 લાખ લોકોએ મતદાન કર્યું છે. સોમવારે પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે લોકસભા ચૂંટણીના માત્ર બે તબક્કા બાકી છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે. 4 જૂને મતગણતરી થશે.
રાજ્ય | 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન |
બિહાર | 52.35% |
જમ્મુ અને કાશ્મીર | 54.21% |
ઝારખંડ | 61.90% |
લદ્દાખ | 67.15% |
મહારાષ્ટ્ર | 48.66% |
ઓડિશા | 60.55% |
ઉત્તર પ્રદેશ | 55.80% |
પશ્ચિમ બંગાળ | 73.00% |
જમ્મુ અને કાશ્મીરનાનોઉગામમાં મતદાન મથકની બહાર મતદારોએ લગાવી લાંબી લાંબી લાઈનો. કાશ્મીરના મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. JKNC ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા, JKPC અધ્યક્ષ સજ્જાદ ગની લોન આ મતદારક્ષેત્રમાંથી મુખ્ય ઉમેદવારો છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે 17 વિશેષ ટ્રેનો, 508 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમાં તબક્કામાં જે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.
