NATIONAL

India : કાયદા પંચે કેન્દ્ર સરકારને સહમતિથી શારીરિક સંબંધ બાંધવા માટેની ઉંમર ઘટાડવા અંગે પોતાની ભલામણ રજૂ કરી

કાયદા પંચે કેન્દ્ર સરકારને સહમતિથી શારીરિક સંબંધ બાંધવા માટેની ઉંમર ઘટાડવા અંગે પોતાની ભલામણ રજૂ કરી છે. કમિશનનું સૂચન છે કે જાતીય સંબંધો માટે સહમતિની ઉંમરમાં ફેરફાર કરવો ના જોઈએ. આનાથી બાળ લગ્ન અને બાળ તસ્કરી સામેની લડાઈ પર નેગેટિવ અસર થશે. દેશમાં સહમતિથી શારીરિક સંબંધની ઉંમર 18 વર્ષ છે.

POCSO કાયદા હેઠળ શારીરિક સંબંધો માટે સંમતિની ઉંમર અંગે કાયદા પંચે કાયદા મંત્રાલયને સોંપેલા રિપોર્ટમાં કહ્યું કે, 16થી 18 વર્ષની વયના કિશોરોની મૌન સ્વિકૃતિથી જોડાયેલી બાબતોમાં સ્થિતિ સુધારવા માટે સંશોધન-સુધારાની જરૂરિયાત છે.

કાયદા પંચના મતે શારીરિક સંબંધ માટે સહમતિની ઉંમર ઘટાડવાથી બાળ લગ્ન અને બાળ તસ્કરી સામેની લડાઈ પર સીધી અને નકારાત્મક અસર પડશે. આટલું જ નહીં, પંચે 16થી 18 વર્ષની વયના કિશોરોની મૌન સ્વિકૃતિ સાથે જોડાયેલા POCSO કેસોમાં સજા માટે ન્યાયિક વિવેકબુદ્ધિ લાગુ કરવાની ભલામણ કરી છે.

કમિશને અદાલતોને એવા કિસ્સાઓમાં સાવધાની રાખવાની સલાહ આપી છે કે, જ્યાં કિશોરાવસ્થાના પ્રેમને નિયંત્રિત કરી શકાતો નથી અને તેનો ગુનાહિત ઈરાદો ના રહ્યો હોય. કાયદા પંચે કહ્યું કે POCSO એક્ટ હેઠળ શારીરિક સંબંધો માટે સંમતિની હાલની ઉંમરમાં ફેરફાર કરવો યોગ્ય નથી.

નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સંસદને POCSO એક્ટ હેઠળ શારીરિક સંબંધની સંમતિની ઉંમર બાબતે વધતી ચિંતાઓને દૂર કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, બધા જ જાણો છો કે, POCSO એક્ટ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોની તમામ જાતીય પ્રવૃત્તિઓને અપરાધ માને છે, પછી ભલે તે બે સગીર વચ્ચે સંમતિ હોય કે ન હોય. એક જજ તરીકે મેં મારા કાર્યકાળમાં જોયું કે, આવા પ્રકારના કેસમાં જજ સામે મુશ્કેલ સવાલો ઊભા કરી દે છે.

[wptube id="1252022"]
Back to top button