
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
આર્ટિસ્ટ બિપિન પટેલે રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની તપસ્યાનું સાતમું વર્ષ પૂર્ણ
“વસુધૈવ કુટુમ્બકમ” થીમથી બનાવેલ ૨૫૫૫ મું વૉટર કલર પેઇન્ટિગ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના માધ્યમથી ભારતના જી-૨૦ પ્રમુખપદને કર્યું અર્પણ
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામમાંથી આવતા આર્ટિસ્ટ બિપિન પટેલે રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની તપસ્યાથી ખૂબ પ્રસિધ્ધિ મેળવી છે. તેમની આ કલા સાધનામાં સાત વર્ષની પૂર્ણતાએ તેમનું યાયાવર પક્ષીઓનું બનાવેલું ૨૫૫૫ મું પેઇન્ટિગ ભારતના જી-20પ્રમુખપદને અર્પણ કર્યું છે. રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના માધ્યમથી આ પેઇન્ટિંગ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલય સુધી પહોંચાડવા અપીલ કરી છે. શિક્ષણમંત્રીએ તેમની કલાભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા
સતત સાત વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની અવિરત કલાસાધનાના આ વિશેષ દિવસે બનાવેલ વોટર કલર પેઇન્ટિંગ વિષે આર્ટિસ્ટ બીપીન પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩ની જી-૨૦ સમિટનું સુકાન ભારતના હાથમાં છે. ભારતના જી-૨૦ પ્રેસિડેન્સીની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” “એક પૃથ્વી- એક કુટુંબ – એક ભવિષ્ય” જાહેર કરવામાં આવી છે,જેને પર્યાવરણ સાથે પણ ગાઢ સંબધ છે. રેફ્યુજી ફિલ્મનું એક ગીત છે કે “પંછી, નદિયા પવન કે ઝોંકે કોઈ સરહદ ના ઇસે રોકે..” મારા આ ચિત્રમાં યાયાવર પક્ષીઓ દેશ વિદેશથી આવે છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે..માણસોને સરહદોના સીમાડા નડે છે પક્ષીઓ અને કુદરત આખી દુનિયાને પોતાનું કુટુંબ માને છે એ કોઈ ભેદ રાખતી નથી એમ કલાને પણ કોઈ સીમાડા હોતા નથી ત્યારે આ સાતમા વર્ષનું ૨૫૫૫ પેઇન્ટિંગનું માઈલ સ્ટોન સર કરું છું ત્યારે મારું આ પેઇન્ટિંગ ભારતના જી-૨૦ પ્રેસિડેન્સીની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” “એક પૃથ્વી- એક કુટુંબ – એક ભવિષ્ય”ને અર્પણ કરી મારો કલાભાવ વ્યકત કરું છું.
અત્રે નોંધનીય છે કે આર્ટીસ્ટ બીપીન પટેલે વિશ્વસ્તરે અને રાષ્ટ્રીયસ્તરે નામના મેળવી પોતાની કલાયાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે.સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામમાંથી આવતા બિપિનભાઇ પટેલે વોટર કલરથી ગ્રામ્યજીવન, ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે. નારગોલથી ડિપ્લોમા ફાઈન અને બરોડા યુનિવરસિટી માંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરેલો છે. તેઓના સતત રોજ એક વોટર કલર પેઇન્ટિંગના ૧૦૦૦ દિવસ અને ૧૫૦૦ દિવસ અને ૨૩૦૦ દિવસ પૂર્ણ થયા ત્યારે પણ ઇન્ડીયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. યુનેસ્કો ઘ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા માં સળંગ ચાર એવોર્ડ મેળવેલ છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની ઓફિસમાં શોભા વધારી છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન ઘ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડ ઘ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ ૨૦૧૭ ભારત ભરથી આવેલ ચિત્રકારો વચ્ચે બિપિનભાઇને વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો.
વૈશ્વિક મહામારીની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કલાસાધનાને અવિરત રાખી હતી. તેમના કોરોનાકાળમાં જનજાગૃતિ દર્શાવતા અનેક ચિત્રો મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ગુજરાત સહિત દેશભરમાં અનેક આર્ટ કેમ્પ યોજ્યા છે. વધુમાં ઓનલાઈન કેમ્પના માધ્યમથી ચિત્રકળા શીખનારા અનેક કલા જિજ્ઞાસુઓએ તેમની પાસેથી વિશેષ કલા પધ્ધતિ શીખી છે.