JETPURRAJKOT

Rajkot: ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીને સલામત પરિવારને સોંપતી ૧૮૧ અભયમ ટીમ રાજકોટ

તા.૨૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્ય સરકારની અભયમ ટીમ મહિલાઓને મદદ માટે હંમેશા તત્પર રહે છે ત્યારે નવરાત્રીના અવસરે પણ કિશોરીઓ, યુવતીઓની સલામતી માટે રાજકોટની અભયમ ટીમ કાર્યરત છે. રાજકોટમાં નવરાત્રીના સમયગાળામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ કિશોરીને અભયમ ટીમે સુરક્ષિત પરિવાર પાસે પહોંચાડી છે. તા.૨૦/૧૦/૨૦૨૩ના મોડી રાત્રિના ૨ વાગ્યાની આસપાસ એક જાગૃત મહિલા દ્વારા ૧૮૧ અભયમમાં ફોન કરી જણાવ્યું હતું કે, એક ૧૬ વર્ષની કિશોરી તેમની બહેનપણી સાથે અમદાવાદથી અહીં આવેલ હતી, જે બહેનપણી કિશોરીને એકલા મૂકીને જતી રહેલ છે.

૧૮૧ ટીમને જાણ થતા જ ૧૮૧ના કાઉન્સિલર વૈશાલીબેન તથા કોન્સ્ટેબલ પૂજાબેન તથા પાયલોટ સન્નીભાઈ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. કિશોરી ખૂબ ગભરાયેલી હતી. ફોન કરનાર મહિલાએ ટીમને જણાવ્યું હતું કે કિશોરીની પાછળ બે ત્રણ યુવકો આવતા હતા. તેથી કિશોરીની મદદ માટે ૧૮૧ ટીમને તેમણે બોલાવ્યા હતા. કિશોરીના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, કિશોરી રાજકોટમાં તેના પરિવાર સાથે જ રહે છે. પરિવારમાં ભાઈ તથા બે બહેનો છે, અને કિશોરીએ તેમની માતા પાસે જીદ કરેલી કે તે નવરાત્રીમાં ગરબી જોવા જવા માંગે છે પરંતુ કિશોરીની માતાએ મનાઈ કરી કહેલું કે તેઓ મજૂરી કામ પરથી આવીને થાકી ગયેલ છે. પરંતુ કિશોરીની અન્ય બહેનપણીઓએ આ બાબતમાં કિશોરીને ચીડવી હતી, તેથી કિશોરી ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઈ હતી.

અભયમ ટીમે કિશોરી પાસેથી તેમના પિતાના મોબાઈલ નંબર મેળવી તેના પિતા સાથે મોબાઇલ મારફતે વાત કરી સ્થિતિ જણાવી, કિશોરીની વાત તેમના પિતા સાથે કરાવી હતી. ટીમે કિશોરીને રાત્રે ઘરેથી એકલા નીકળવું તેના માટે સુરક્ષિત નથી તેમ સમજાવ્યું હતું. કાઉન્સેલિંગના અંતે કિશોરીએ ખાત્રી આપી હતી કે હવેથી તે તેમના માતાને જાણ કરીને જ ઘરની બહાર નીકળશે. અભયમ ટીમે કિશોરીએ જણાવેલા સરનામા મુજબ તેના ઘરે જઈને કિશોરીને સુરક્ષિત તેમના માતા-પિતાને સોંપી હતી. જે બદલ કિશોરીના માતા-પિતા તથા પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button