
*મળી માતૃભાષા મને ગુજરાતી*
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ડૉ. જે.ડી. તલાટી વિદ્યાસંકુલ, પિલવાઇમાં કવિ સંમેલન યોજાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
21મી ફેબ્રુઆરી એટલે ‘ વિશ્વ માતૃભાષા દિવસ ‘. સમગ્ર વિશ્વના દેશો આ દિવસે પોત – પોતાની માતૃભાષાની વૈવિધ્યપૂર્ણ રીતે ઉજવણી કરશે.
વિશ્વ માતૃભાષા દિવસના આ અવસરને ઉજવવા પિલવાઇ કૉલેજમાં પણ ‘ મળી માતૃભાષા મને ગુજરાતી ‘ અંતર્ગત એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને
શ્રી યુ.પી. આર્ટ્સ, શ્રીમતી એમ.જી. પંચાલ સાયન્સ અને શ્રી વી.એલ. શાહ કોમર્સ કોલેજ, વાડીલાલ રવચંદ શાહ બી.એડ. કોલેજ અને નાનાલાલ રણછોડદાસ રાવલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પિલવાઇના સંયુક્ત ઉપક્રમે ડૉ.જે.ડી.તલાટી વિદ્યાસંકુલમાં આવેલા સેમિનાર હોલમાં 21મી ફેબ્રુઆરી ને બુધવારના રોજ બપોરે 12-00 વાગ્યે માતૃભાષા ગુજરાતીની ઉજવણી કરવા માટે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના સંયોજક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ .યશોધર હ. રાવલ જણાવે છે કે, આ દિવસે યોજેલ કવિ સંમેલનમાં ગુજરાતની નામાંકિત કવયિત્રીઓ રક્ષા શુક્લ, દેવાંગી ભટ્ટ અને રિંકું રાઠોડ તેમની રસપ્રદ કવિતા અને ગઝલોની પ્રસ્તુતિ કરશે. કવિ સંમેલનનું સંચાલન જાણીતા ઉદઘોષક તેજસ દવે કરવાના છે.
કવિતા અને મુશાયરાના શોખીન એવા રસિક શ્રોતાઓને આ કાર્યક્રમનો લાભ લેવા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય શાહે અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે પ્રેમપૂર્ણ નિમંત્રણ પાઠવ્યું છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાની પ્રેરણાથી સમગ્ર ગુજરાતની એકસો પચીસ ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં ‘ મળી માતૃભાષા મને ગુજરાતી ‘ ની હરખભેર ઉજવણી થશે.





