
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખે બેડવલ્લી પ્રાથમિક શાળામાં ૧૧ ભૂલકાંઓને કરાવ્યો શાળા પ્રવેશ

રાજ્યભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩નો પ્રારંભ થયો છે ત્યારે આજે બીજા દિવસે મહીસાગર જિલ્લાના બેડવલ્લી ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે ૧૧ ભૂલકાંઓને આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-૧માં શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શાળામાં દાતાઓ દ્વારા ભૂલકાંઓને બેગ, પુસ્તકો અને શૈક્ષણિક કિટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાના ધોરણ ૧ થી ૮ના ૨૪ તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના બાળકોને સારું શિક્ષણ મેળવી માતા પિતા શાળા અને ગામના ગૌરવમાં વધારો કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બાલિકાઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રાર્થના સ્વાગત ગીત અને વક્તવ્યને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું.
શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાળકોને શાળા પરિવહન માટેના વાહનને કુમકુમ તિલક સાથે વધાવી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું.








