
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના સંગીતાબેન ઠાકોરે બાયોગેસ પ્લાન્ટ થકી ધુમાડામાંથી મેળવી મુક્તિ
સરકારની ગોબરધન યોજનાના સહારે સ્વચ્છતા અને સ્વનિર્ભરતામાં પોતાનું યોગદાન આપતા સંગીતાબેન ઠાકોર
મહીસાગરના પશુપાલન કરતા પરિવાર માટે ગોબર ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યો

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા 30 એપ્રિલ 2018ના રોજ ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ) ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગોબર ધન યોજના’નો મુખ્ય ઉદ્દેશ ગામોમાંથી ઉકરડા પ્રથાનો સંપૂર્ણ નિકાલ કરવાનો તેમજ પશુઓના છાણ તથા પાકના અવશેષોનું બાયોગેસ અને જૈવિક ખાતરમાં રૂપાંતર કરી વાતાવરણને પ્રદુષણમુક્ત કરવાનો છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના નવામુવડા ગામના લાભાર્થી સંગીતાબેન ઠાકોર જણાવે છે કે , તેઓ ખેતી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે અને આખો દિવસ ખેતરમાં કામ કર્યા બાદ ઘરે થાકીને આવે તેમ છતાં સાંજે ચૂલામાં જમવાનું બનાવવું એ તેમની મજબુરી હતી. રસોઈ રાંધવા તેઓ દૂર દૂર થી લાકડા લાવી તેમનો ઉપયોગ કરતા અને એમાંયે ચોમાસામાં જો લાકડા ભીના થઈ જાય તો જમવાનું બનાવવામાં તેઓને ખૂબ તકલીફ પડતી.
વધુમાં તેમણે જણાવ્યું કે તેઓની પાસે બે ભેંસ છે જેનું દુધ તેઓ ડેરીમાં ભરાવે છે. ડેરીએ જવાના નિત્યક્રમ દરમ્યાન એક વખત તેમને ગોબર ધન યોજના હેઠળ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની સ્થાપ્ના કરવા સરકાર તરફથી મળતી સહાયની જાણકારી મળી. આમ તેમના આ યોજનામાં રસ પડતા તેઓએ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી બાયોગેસ પ્લાન્ટ માટે અરજી કરી.અરજી કર્યા બાદ તેઓને ટુક સમયમાંજ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર તરફથી સહાય તથા પ્લાન્ટની સ્થાપાના માટેની કામગીરી ચાલુ કરી આપવામાં આવી. ગોબર ધન યોજના હેઠળ આજે તેમનો પ્લાન્ટ ખુબ સારી રીતે સક્રિય છે, અને તેના થકી જ તેઓને આજે ધુમાડામાંથી અને અન્ય આર્થિક બોઝ માંથી મુકિત મળી છે, તેઓ જણાવે છે કે હું અને મારો પરિવાર સરકારના આવા પ્રયાસોને આવકારીએ છીએ તથા તેઓના આભારી છીએ.
સામાન્ય રીતે બાયો અંગ્રેજી શબ્દનો અર્થ જૈવિક પદાર્થ જેવા કે, ઝાડના ડાળ, ફળ, ફૂલ, પાંદડા, બીજ છે તથા આમાં માનવ અને પશુનાં આહાર દ્વારા ઉત્પન થતાં કચરાનો પણ સમાવેશ કરી શકાય. આવા બાયો પદાર્થના જથ્થાને બાયોમાસ કહેવામાં આવે છે. બાયોમાસ માંથી જે ગેસ પેદા થાય તેને બાયોગેસ કહેવાય સામાન્ય રીતે ભારતમાં વિપૂલ પ્રમાણમાં પશુપાલન થાય છે. જેના પરિણામે તેનું છાણ પણ મોટા જથ્થામાં મળી રહે છે. આમ આ બાયોમાસને જો ગેસ બનાવવા માટે વાપરવામાં આવે તો ગામડાના ઉકરડા અને તેનાથી ફેલાતી ગંદકીની સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય.








