
તા.૨૩ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાતમાં સૌપ્રથમ વખત એચ.આઇ.વી. પોઝિટિવ લોકો માટે ખૂલ્યું ખાસ પી.એલ.વી. કેન્દ્ર
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એચ.આઇ.વી. પોઝિટિવ લોકોને કાનૂની સહાય પૂરી પાડવા માટે જૂની કલેકટર કચેરી ખાતે પેરાલીગલ વોલ્યુન્ટીયર સેલનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ કર્યું હતું.

ગુજરાતમાં સૌપ્રથમ વખત એચ.આઇ.વી. પોઝિટિવ લોકો માટે ખાસ પી.એલ.વી. કેન્દ્ર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આર.ડી એન.પી.પ્લસ ટ્રસ્ટ દ્વારા જૂના યુ.એલ.સી.બિલ્ડિંગ, જૂની કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતેથી દર સોમવાર અને બુધવારે અરજદારો કાનૂની સહાય મેળવી શકશે. પી.એલ.વી. કેન્દ્ર શરૂ થવાથી કાનૂની સહાય મેળવવા માટે અરજદારોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જવું નહિ પડે અને પી.એલ.વી. કેન્દ્ર ખાતે જ આર.ડી.એન.પી સંસ્થામાં જ ખાનગી અને અલાયદા વાતાવરણમાં જરૂરી માર્ગદર્શન અને સહાય મેળવી શકાશે.

આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડો. એન.એચ.નંદાણીયા ,અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી જે. ડી. સુથાર, પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા, જિલ્લા ટી.બી. અને એચ.આઇ.વી.ઓફિસ શ્રી ડો. ઘનશ્યામ મહેતા, આર.એન.ડી.પી. પ્લસ ટ્રસ્ટના પ્રમુખશ્રી જગદીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉદઘાટન બાદ જિલ્લા કલેકટરશ્રીએ પી.એલ.વી. કેન્દ્ર શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લોકોની સેવાને બિરદાવી હતી તેમજ એચ.આઇ.વી. પોઝિટિવ લોકોને જરૂર પડ્યે આ કેન્દ્ર પાસેથી સલાહ લેવા અપિલ કરી હતી. અરજદારો એચ.આઇ. વી. હેલ્પલાઇન ૧૦૯૭નો ઉપર પણ સંપર્ક સાધી શકે છે.








