
રાજકોટ, : રાજકોટના મવડી 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે શ્રી લેઉઆ પટેલ બોર્ડિંગમાં અભ્યાસ કરતાં ધો. 8ના છાત્રને ગૃહપતિ તરીકે નોકરી કરતાં હસમુખ ચકુ વસોયા ઉર્ફે વસોયા બાપુ (ઉ.વ. 52)એ બિભત્સ વીડિયો બતાવી, તેની ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ગુજારી, ગાલ પર બટકા ભરી અને પટ્ટાથી બેફામ મારકૂટ કરી પખવાડિયા સુધી અત્યાચાર ગુજાર્યાની ચોંકાવનારી ઘટનાથી શિક્ષણ જગત હચમચી ગયું છે. માલવિયાનગર પોલીસે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી માનસિક રીતે વિકૃત આરોપી ગૃહપતિની ધરપકડ કરી છે. ઉહાપોહ થતા તેને નોકરીમાંથી પણ હવે કાઢી મૂકવામાં આવ્યો છે.
આ ઘટનાથી પોતાના બાળકોને હોસ્ટેલના ભરોસે મૂકી ભણાવતા વાલીઓને આંચકો લાગ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને અને ગૃહપતિ તરીકે માનસિક રીતે વિકૃત શખ્સોની નિમણૂક ન કરાય તે બાબત હવે શિક્ષણવિદોએ જોવાની રહેશે.
ભોગ બનનારના કાકાએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે સાતમ-આઠમની રજા પડતા તે ગામડેથી ભત્રીજાને તેડવા આવ્યા હતા. રાજકોટમાં રહેતા સંબંધીને લઇ ગઇકાલે સવારે બોર્ડિંગે ગયા હતા. તે વખતે ભત્રીજો ભાવેશ (નામ બદલ્યું છે) આવતા તેના ગાલ પર ઇજાના નિશાન જોયા હતા. જેથી ગૃહપતિ હસમુખ અને વિનોદ ગોવર્ધન પટેલને આ બાબતે પૂછતા ઉડાઉ જવાબ આપી કહ્યું કે બધા છોકરાનું અમે પર્સનલ ધ્યાન રાખતા ન હોઇેએ, તમારા છોકરાને કોઇ છોકરા સાથે ઝગડો થયો હશે.
ત્યારબાદ તે ભત્રીજા ભાવેશને લઇને મોટાબાપુના ઘરે મૂકી પરત ગામડે જતા રહ્યા હતાં. બપોરે ૨ વાગ્યે તેના ભાભીએ કોલ કરી જણાવ્યું કે ભાવેશના ગાલ પર, વાંસાના ભાગે, સાથળના ભાગે બોર્ડિંગવાળાએ મારકૂટ કરી છે. આ વાત સાંભળી તત્કાળ ગામડેથી રાજકોટ આવી ગયા હતા.
તે વખતે ભત્રીજીએ જણાવ્યું કે ભાવેશે ઘરે આવી કહ્યું છે કે બોર્ડિંગમાં ગૃહપતિ હસમુખ તે જ્યારે ભોજનાલયમાં રાત્રે વાંચવા જતો ત્યારે તેની પાસે આવી અને કહેતો કે તું મારી પાછળ-પાછળ આવ, નહીં તો તને જાનથી મારી નાખીશ. જેથી તેની પાછળ જતા તેને વોચમેનની કેબિનની સામે આવેલા રૂમમાં લઇ જઇ ગંદા વીડિયો બતાવી તેના ગાલ ઉપર બટકા ભરી બધા કપડા કઢાવી નાખતો હતો. જો તે વિરોધ કરે તો પોતાના પેન્ટમાંથી પટ્ટો કાઢી તેના વડે મારકૂટ કર્યા બાદ સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય ગુજારતો હતો.
જો તે બૂમાબૂમ કરે તો તેનું મોઢુ દબાવી અને આ બાબતે કોઇને જાણ કરીશ તો તારૂં ભણતર બગાડી નાખીશ, આ ગંદા કામની બીજા કોઇને ખબર પડશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. જેને કારણે ગભરાઇ જતા તેણે આ વાત કોઇને કરી ન હતી. છેલ્લા ૧૫ દિવસથી ગૃહપતિ હસમુખ તેની સાથે ગંદુ કામ કરી અત્યાચાર ગુજારતો હતો.
આ ચોંકાવનારી ઘટના બાદ ગઇકાલે સાંજે ભાવેશને સિવિલે દાખલ કરાયો હતો. જાણ થતા માલવિયાનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ભાવેશના કાકાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. આરોપી ગૃહપતિ હસમુખે એમએ-બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેની વિધિવત ધરપકડ કરી પોલીસે ઘનિષ્ટ પૂછપરછ શરૂ કરી છે. તેનો મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે.









