
ધર્મના નામે શોષણ કરવું સરળ હોય છે. શોષિત/ પીડિત હસતા હસતા, ઉત્સાહપૂર્વક પોતાના શોષણ માટે તૈયાર થઈ જાય છે. દરેક ધર્મમાં આ દૂષણ જોવા મળે છે ! ધાર્મિક લાગણીઓ માણસની વિવેકશક્તિ છીનવી લે છે. રાક્ષસમાં તેને દેવદૂત દેખાય છે !
ધર્મ હંમેશા ભક્તિ પર જોર આપે છે. ભક્તિ એવી વસ્તુ છે કે માણસને શોષણમાં ઉદ્ધાર દેખાય છે ! માણસે કોઈની ભક્તિ કરવી ન જોઈએ; ઈશ્વરની પણ નહિ. તો જ તે બુદ્ધિપૂર્વકનું વર્તન કરી શકે. માણસજાતે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તે બુદ્ધિથી કરી છે, ભક્તિથી નહિ. ભક્તિ માણસને માયકાંગલો અને ગુલામ બનાવે છે. રાજકીય ભક્તિ પણ એટલી જ ખતરનાક હોય છે; તેમાં અવગુણોમાં ગુણો દેખાય છે ! રાજકારણમાં ભક્તિ સરમુખત્યારશાહી તરફ દોરી જાય છે, એમ આંબેડકરે કહેલું. લોકસભા ચૂંટણી-2024માં જોવા મળ્યું કે ધર્મગુરુઓ/ કોર્પોરેટ કથાકારો/ બાબાઓ/ બાપુઓ રાજકીય ભક્તિ તરફ લોકોને દોરી જાય છે !
ધર્મગુરુઓ પોતાની સેવા કરાવવા માટે દીક્ષા આપવાનું કામ કરે છે. તેમાં ભક્તિ નહીં, સ્વાર્થ હોય છે. મોટાભાગના સાધુઓ સંસાર છોડીને પછી સંસાર કઈ રીતે ચલાવવો તેના ગોળગોળ અને પોલાંપોલાં ઉપદેશો આપે છે. કોર્પોરેટ કથાકારો અને મોટીવેશનલ સ્પીકરો કોઈ દિવસ સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થાઓ વિશે વાત કરતા જ નથી. તેઓ સુફિયાણી સલાહો આપ્યા કરે છે પણ જે વ્યવસ્થાઓ માણસને ગુલામ બનાવે છે તેમાંથી આઝાદ કેવી રીતે થવું તેની વાત તેઓ કરતા જ નથી અને ભક્તિ માર્ગને તેઓ આદર્શ સમજે છે.
ધર્મ/ભક્તિ માણસને એટલો અંધ બનાવી દે છે કે પોતાના માતા-પિતા તેમને દુશ્મન લાગવા લાગે છે અને ગુરુ તારણહાર લાગે છે ! ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વડાલી ગામના ખેડૂતે પોતાના પુત્રને ‘શિક્ષણ સાથે ધર્મનું જ્ઞાન’ મળે તે હેતુથી મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ-8માં ભણવા મૂક્યો હતો. તેણે ધોરણ-10 પૂરું કર્યું ત્યારે પુત્રને લેવા ગુરુકુળ ગયા ત્યારે પુત્રએ ઘેર આવવાની ના કહી દીધી ! જેથી પિતા ચોંકી ગયા ! જ્યારે પણ ઘેર લઈ જવાની વાત આવે ત્યારે પુત્ર બહાના બતાવતો ! તેને ઘેર રોકવામાં આવે તો ખાવાપીવાનું છોડી દેતો ! પુત્ર ગુરુકુળમાં જવાની જિદ્દ પકડતો ! પુત્રએ પોતાની નોટમાં લખ્યું હતુ કે ‘આપણી લગામ પપ્પાના હાથમાં છે. તેમાંથી છૂટવું હોય તો એના હાથ કાપી નાખવા પડે !’ હંમેશા ગુરુકુળ જવાની જિદ્દ કરતો. ગુરુકુળના સાધુ જનાર્દન સ્વામીએ પુત્રને સાધુ બનવા પ્રેરણા આપી તેથી તેને ઘર ગમતું ન હતું. જનાર્દન સ્વામી ફોનમાં પુત્રને કહેતા હતા કે ‘અહીં નાઈટ મેચ રમવાની મજા આવેને?’
આ કેવા સાધુ? આ કેવો ધર્મ/સંપ્રદાય? સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના ગુરુકુળો/ મંદિરોમાં વિદ્યાર્થીઓ/ શિષ્યો-પાર્ષદો-પાળાઓ સાથે અકુદરતી જાતીય કામાચારની ઘટનાઓ બની છે ! થોડાં ગુનાઓ દાખલ થયા છે અને મોટાભાગના કામાચારના ગુનાઓ ઢાંકી રાખ્યા છે ! ‘નાઈટ મેચ રમવાની મજા‘ એટલે શું? એ તો સહજાનંદજી જાણે ! શિક્ષણ સાથે ધર્મનું જ્ઞાન’ મેળવવું કેટલું ખતરનાક છે તે સૌએ સમજવાની જરુર છે !
માણસજાતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કુટુંબ, સમાજ, બજાર, ધર્મ અને રાજ્ય નામની સંસ્થાઓ બનાવી. ઈશ્વર પણ મનુષ્યનું સર્જન છે. પણ આ સંસ્થાઓ જ મનુષ્ય સાથે દાદાગીરીથી વર્તે છે. મનુષ્યે આ સંસ્થાઓ સામે લડવું પડે અને પોતાની આઝાદી ટકાવવી પડે. ગાંધીએ કહ્યું હતું તેમ ‘જણે જણે ભોગવવાનું સ્વરાજ’ મેળવવાનું છે. આ વાત ક્યારે સમજાશે?
જનાર્દન સ્વામીનો વિવાદ ચાલુ હતો ત્યારે સુરતમાં એક સગીર બાળકને સાધુ બનાવવાની કોશિશની ઘટના સામે આવી અને મામલો સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સાધુઓને લોકો તરફથી માન મળતું જોઈને સગીર બાળકોને પણ સાધુ થવાના વિચારો આવે છે. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને બસના કંડક્ટર થવાની ઈચ્છા થાય છે કેમકે પૈસાથી પાકીટ ભરાઈ જાય છે ! પરંતુ જેવો તે કોલેજ પૂરી કરે ત્યારે તેને કંડક્ટર થવાની ઈચ્છા પર હસવું આવે છે ! આવું બાળદીક્ષાનું છે. પુખ્તવયે સમજણપૂર્વક દીક્ષા લે તેની સામે વાંધો ન હોય પરંતુ બાળદીક્ષા સતીપ્રથા જેટલી જ ક્રૂર પ્રથા છે; જિંદગીભર કામેચ્છાથી બળવું પડે છે ! કુમળી વયના બાળકોએ સંસારની કડવી-મીઠી છાંયડીઓ જોઈ ન હોય; કુદરતી સહજ વિજાતીય આકર્ષણનો અનુભવ થયો ન હોય; બ્રહ્મચર્ય/ વૈરાગ્યની કશી સમજણ ન હોય; તેમને દીક્ષા આપવાથી ફાયદો શું? ધરાહાર બનાવી દીધેલો સાધુ સમાજને કે સંપ્રદાયને શું ઉપયોગી? બ્રેઈનવોશથી બનાવી દીધેલા બાળસંતો જ્યારે યુવાનવયે પહોંચે ત્યારે તેમની હાલત ન કહેવાય ન સહેવાય જેવી થાય છે. એથી વિકૃત ઘટનાઓ બને છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ ચેતવણી આપી છે : ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરે કોટી ઉપાયજી. કામ ક્રોધ લોભનું, જ્યાં લગી મૂળ ન જાયજી !’rs


[wptube id="1252022"]