
માણસ ભાવુક બને ત્યારે આંખ ભીંની થાય તે સહજ છે. આપણા વડાપ્રધાન કેમેરા સામે/ જાહેર મંચ પર ભાવુક થઈ રડી પડે છે ! વડાપ્રધાન સંવેદનશીલ હોય તો લોકોની પરેશાનીઓ/ સમસ્યાઓ સારી રીતે અનુભવી શકે !
સવાલ એ છે કે કોઈ સંવેદનશીલ માણસ ભયંકર જૂઠ બોલી શકે? વડાપ્રધાન અગાઉ જૂઠ્ઠું બોલ્યા હતા કે ‘દ્રોપદી મૂર્મૂની ચામડીના રંગ સાથે વાંધો હતો એટલે કોંગ્રેસે એનો રાષ્ટ્રપતિ માટે વિરોધ કર્યો હતો !’ વડાપ્રધાને 11 મે 2024ના રોજ, ઓરિસ્સામાં ચૂટણીસભામાં જૂઠનો મહાગોળો ફેંક્યો હતો : “રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ રામમંદિર દર્શને ગયા તેથી કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે રામમંદિરને ગંગાજળથી ધોવડાવીને શુદ્ધિકરણ કરીશું ! આ દેશનું અપમાન છે કે નહીં? આ આદિવાસી સમાજનું અપમાન છે કે નહીં? આ માતાઓ અને બહેનોનું અપમાન છે કે નહીં? મારા દેશની આદિવાસી બેટી; દેશની રાષ્ટ્રપતિ રામલલ્લાના દર્શને જાય; મંદિરમાં પૂજા અર્ચન કરે; અને બીજા દિવસે કોંગ્રેસ ઘોષણા કરે કે અમે રામમંદિરનું શુદ્ધિકરણ કરીશું ! ભાઈઓ બહેનો ! આવા લોકોને ભારતની રાજનીતિમાં રહેવાનો હક્ક છે ખરો?”
કોંગ્રેસે ચામડીના રંગના કારણે વિરોધ નહોતો કર્યો. કોંગ્રેસના કોઈ નેતાએ દ્રોપદી મૂર્મૂ રામમંદિરે ગયા તેથી મંદિરનું શુદ્ધિકરણ કરવાની વાત નહોતી કરી; છતાં આદિવાસીઓને ઉશ્કેરી તેમના મત લેવા વડાપ્રધાને આવું ભયંકર જૂઠ ઊભું કર્યું ! ચૂંટણીપંચ વડાપ્રધાનને પરમ પરમેશ્વર માને છે એટલે વડાપ્રધાન જૂઠ્ઠું બોલવામાં પાછી પાની કરતા નથી !
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 26 એપ્રિલ 2024ના રોજ, કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણીસભમાં કહ્યું હતું કે ‘વડાપ્રધાન જાહેરમાં મગરમચ્છના આંસુ વહેવડાવે તેવી પૂરી સંભાવના છે !’ બન્યું પણ એવું કે વડાપ્રધાને 14 મે 2024ના રોજ, વારાણસીમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે આંસુ વહાવ્યા ! ચૂંટણી હોય/ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા હોય/ કોરોનાની બેઠક હોય/ ફેસબૂકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત હોય/ કોઈ પણ મહત્વની ઈવેન્ટ હોય અને કેમેરો સામે હોય તો વડાપ્રધાનની આંખોમાં આંસુઓ અવશ્ય છલકે છે !
પરંતુ વડાપ્રધાનની આ સંવેદનશીલતા/ ભાવુકતા/ આંસુઓ નાટકીય કેમ છે? જ્યારે કાળા ધનની નાબૂદી માટે નોટબંધી કરી ત્યારે આખા દેશને લાઇનમાં ઊભો કરી દીધો હતો અને કેટલાંય લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે આ આંસુઓ ક્યાં હતા? જો નોટબંધી સફળ રહી તો અદાણી-અંબાણી ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું ધન કઈ રીતે આપે? લોકડાઉનમાં શ્રમિકોએ ભૂખ્યા-તરસ્યા રહી હાડમારી ભોગવી ત્યારે આંસુઓ કેમ દેખાયા નહીં? કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે લાખો લોકો હેરાન થયા અને અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા; છતાં સંસદમાં વડાપ્રધાન જૂઠ્ઠું બોલ્યા કે ઓક્સિજનના અભાવના કારણે કોઈનો જીવ ગયો નથી; ત્યારે આ આંસુઓ કેમ દેખાયા નહીં? ગંગામાં હજારો લાશો તરતી હતી ત્યારે આંસુઓ કેમ દેખાયા નહીં? કિસાન આંદોલનમાં 700 કિસાનોએ જીવ ગુમાવ્યા ત્યારે કહેલ કે ‘એ બધાં મારા માટે મર્યા છે?’ ત્યારે સંવેદનશીલતા ક્યાં જતી રહેલ? ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને સત્તા મેળવી અને ગાયમાંસના ઉદ્યોગપતિઓ પાસેથી 250 કરોડનું ડોનેશન મેળવ્યું ત્યારે આંસુઓ ક્યાં જતાં રહેલ? મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને સરઘસ કાઢ્યા; ગેંગ રેપ થયા; ત્યારે આંસુઓ કેમ દેખાયા નહીં? શું તે ઘટનાઓ દેશ માટે અપમાનજનક નહોતી? શું તેમાં આદિવાસી સમાજનું અપમાન નહોતું? શું તેમાં માતાઓ અને બહેનોનું અપમાન નહોતું? The Telegraph અખબારે ફ્રન્ટ પેજ પર લખ્યું હતું : ‘તેની 56 ઇંચની ત્વચાને વીંધવામાં પીડા અને શરમ માટે 79 દિવસ લાગ્યા. હવે મગરના આંસુ વહાવી રહ્યા છે !’ ગેંગ રેપ/ સામૂહિક હત્યાના દોષિતોને જેલમુક્ત કર્યા અને તેમનું ફૂલમાળા/ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આંસુઓ ક્યાં જતા રહેલ? દેશને ગૌરવ અપાવનાર મહિલા પહેલવાનોની યૌન શોષણની ફરિયાદ નોંધવાને બદલે પોલીસે તેમની પર અત્યાચાર કર્યો ત્યારે આંસુઓ ક્યાં જતા રહેલ?
સવાલ એ છે કે સંવેદનશીલ માણસ હંમેશા નાટક કરી શકે? હંમેશા ઢોંગ કરી શકે?rs [કાર્ટૂન સૌજન્ય : રાકેશ રંજન/ સતિષ આચાર્ય]



[wptube id="1252022"]