
મંત્રીશ્રીના હસ્તે રૂ. ૫૧૬.૮૧ લાખના કામોનું ઈ- લોકાર્પણ અને રૂ. ૩૭૩.૨૪ લાખના કામોના ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરાયું
— ગૌચરની જમીન પર ગૌશાળા બનાવી નગરજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવાશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
— પારડી, ધરમપુર અને ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ પૂર્ણ થતા સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
— સોલિડ વેસ્ટના કામને પૂર્ણ કરવા માટે જે પણ અડચણો હશે તે દૂર કરવાનો વિશ્વાસ આપતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
— પારડી નગરના વિકાસના કામો ગુણવત્તાસભર રીતે થાય તે માટે મંત્રીશ્રીએ ચીફ ઓફિસરને સૂચના પણ આપી
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૪ નવેમ્બર
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ને.હા.નં. ૪૮ પર નૂતન નગર ખાતે સ્વર્ણિમ જંયિત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.૮૮) વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૨-૨૩ હેઠળ રૂ. ૧૭૫.૧૬ લાખના ખર્ચે નિર્માણ થયેલી લાયબ્રેરી અને આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રૂ. ૫૧૬.૮૧ લાખના કામોનું ઈ- લોકાર્પણ અને રૂ. ૩૭૩.૨૪ લાખના કામોના ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સિનિયર સિટિઝનોની ઘણા લાંબા સમયથી લાયબ્રેરીની જે માંગણી હતી તે આજે પરિપૂર્ણ થઈ હોવાનું જણાવી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આગામી દિવસોમાં પારડીનો વિકાસ ઝડપભેર થશે એમ કહી જે કામો બાકી છે અને જે કામો નવા ચાલુ થયા છે તે ગુણવત્તાસભર થાય એવુ સૂચન પાલિકાના ચીફ ઓફિસર બી.બી.ભાવસારને કર્યુ હતું. મંત્રીશ્રીએ પારડી, ધરમપુર અને ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ પૂર્ણ થયુ છે જેથી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે એમ જણાવ્યું હતું. કિલ્લા પર બનાવેલી ટાંકી દ્વારા સમગ્ર શહેરી વિસ્તારને પાણી પુરૂ પડાશે એવી મંત્રીશ્રીએ ખાતરી આપી સોલિડ વેસ્ટના કામને પૂર્ણ કરવા માટે જે પણ અડચણો હશે તે દૂર કરવાનો વિશ્વાસ આપી બાજુમાં આવેલી ગૌચરની જમીન પર ગૌશાળા બનાવાશે, જેથી રખડતા ઢોરની સમસ્યામાંથી નગરજનોને મુક્તિ મળશે એવુ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ પારડીને સંપૂર્ણ રીતે વિકસિત બનાવવાની નેમ વ્યક્ત કરી સાથે લોકોને પણ પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડી.ડી.કાપડીયાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં પારડી પાલિકા વિસ્તારમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની સૂઝબૂઝ અને નેતૃત્વના કારણે રૂ. ૫૦ કરોડના વિકાસના કામો થયા છે. કોમ્યુનિટી હોલ, ગૌરવપથ રોડ, ડમ્પિંગ સાઈટ, કિલ્લા પર પાણીની ટાંકી સહિતના કામો મંજૂર થતા મંત્રીશ્રીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કામ ચાલી રહ્યા છે. આ લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોચીંગ કલાસનું પણ આયોજન થાય તે માટે પ્રયાસ છે. પારડી પાલિકાના ચીફ ઓફિસર બી.બી.ભાવસારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, નવા વર્ષ નિમિત્તે પારડી પાલિકા વિસ્તારના નગરજનોને રૂ. ૮ કરોડ ૯૦ લાખના વિકાસના કામોની ભેટ મળી છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા સહકારી દૂધ ઉત્પાદકના મીનાબેન કિશોરચંદ્ર દેસાઈને શોપીંગ સેન્ટરના કબજાની ચાવી સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે પુસ્તક પરબના સંચાલક કિંજલ પંડ્યા અને સિનિયર સિટિઝનો દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વસુધરા ડેરીના ચેરમેન ગમનભાઈ કે. પટેલ, પારડી શહેર સંગઠન પ્રમુખ રાજેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ મહેશ દેસાઈ, પારડીના ઈન્ચાર્જ મામલતદાર પ્રીતિ મોઢવાડીયા, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિતના પદાધિકારી- અધિકારીઓ- કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચા અને ધર્મેશ મોદીએ કર્યુ હતું. જ્યારે આભારવિધિ પારડી પાલિકાના ઈજનેર ભાવેશ એન. પ્રજાપતિએ કરી હતી.










