કાલોલ તાલુકા નાં એક ગામ માં પતિથી હેરાન થતાં પત્નીએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો.

તારીખ ૦૮/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં રહેતી પીડિત મહિલા પોતાના પતિથી રોજ હેરાન થતી હતી, જેથી તેમણે 181 અભયમ ટીમનો સંપર્ક કરી જાણ કરી હતી. પીડિત મહિલાના કહેવા મુજબ તેમના લગ્નના સાત વર્ષ થયાં છે અને તેઓને કોઈ સંતાન નથી. તેમનો પતિ કંપનીમાં જોબ કરે છે અને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પીડિતાને ઘરમાંથી નીકળી જવા કહે છે. પીડિતા કહે છે કે “મારો પતિ રોજ સાંજે જોબ પરથી આવે છે ત્યારે નશાની હાલતમાં હોય છે.અને ઘરે આવી રોજ મને હેરાન કરે છે.મારપીટ કરે છે અને અપશબ્દો બોલી મને ઘરમાંથી નીકળી જવા કહે છે. બીજી બાજુ મારા પિયરમાં માતા પિતા મૃત્યુ પામ્યા છે અને ઘરે કોઈ રહ્યું જ નથી, એવી હાલતમાં હું ઘરે પણ જઈ શકું એમ નથી. હું સાસરામાં રહી મારા પતિની બધી જ વાતો માનું છું અને ઘરનું બધું જ કામ કરું છું, પતિનો કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ છે તે પણ હું જાણું છું, પરંતુ મારા પિયરમાં કોઈ રહ્યું નથી તેથી હું ત્યાં જઈ શકું એમ નથી. છેલ્લા સાત વર્ષથી હું પતિ દ્વારા થતું આવું અપમાન હું સહન કરી રહી છું.” પીડિત મહિલાના પતિનું કહેવું છે કે તેની પત્ની બીમાર છે તેથી સંતાન આપી શકે એમ નથી. આવી વિકટ પરિસ્થિતિમાં પીડિત મહિલાએ અભયમ ટીમનો સંપર્ક કરી મદદની માંગણી કરી હતી, જેથી અભયમ ટીમ તેઓના ઘરે પહોંચી બંને પક્ષનું યોગ્ય કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવી મહિલાને હવેથી અન્યાય ના થાય તે બાબતની ખાતરી કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.