જૂનાગઢ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ આલ્ફા વિદ્યા સંકુલ ખાતે યોજાયો

જૂનાગઢ જિલ્લામાં નવ સ્થળોએ યોજાયો સૂર્યનમસ્કારનો કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રોગને યોગ માધ્યમથી હરાવવા માટે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તેના જ ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાના રોગને પડકાર, સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, કલેક્ટરશ્રી અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે સૂર્ય નમસ્કાર કરી, યોગ થકી સ્વસ્થ અને નિરોગી જીવન અપનાવવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર માટેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને પુરસ્કાર અર્પણ કરવાની સાથે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. જેને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળવામાં આવ્યું હતું.
આલ્ફા વિદ્યા સંકુલના પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસીયાએ જણાવ્યું કે, નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર સાથે થઈ રહી છે, તેનાથી વિશેષ શું હોઈ શકે ? તેમ જણાવતા કહ્યું કે, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને ધ્યાનથી શારીરિક સ્વાસ્થ્યના લાભો તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ માનસિક તણાવ દૂર કરવામાં પણ ખૂબ ફાયદો થાય છે.
આપણો દેશ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અને સાધીને ચાલે છે, પ્રકૃતિમાંથી સતત શીખતા પણ રહીએ છીએ. એટલે જ જુદા જુદા આસનોમાં પર્વતાસન વગેરેને સ્થાન છે. આજે સમગ્ર વિશ્વના લોકો યોગ અપનાવતા થયા છે. સાથે જ ભારતના યોગ કેન્દ્રમાં દુનિયાભરના લોકો યોગ શીખવા પણ આવે છે. એક સમયે આપણી સંસ્કૃતિ અને જ્ઞાનની અવહેલના કરવામાં આવતી હતી. તેને આજે વિશ્વ સ્વીકારી રહ્યું છે. આપણી આ ગૌરવપ્રદ સંસ્કૃતિ જાળવી જાળવી સતત આગળ વધતા રહીએ. તેમ જણાવતા કલેક્ટરશ્રીએ રમત ગમતની સાથે યોગને પણ વણી લેવા માટે અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રીએ પોતાના શાળાકીય સંસ્મરણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું વર્ષોથી યોગ કરું છું. પરીક્ષા કે અન્ય સંજોગોમાં ટ્રેસનું સામનો કરવો પડતો હોય છે, ત્યારે ધ્યાન કે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તણાવ દૂર થાય છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે યોગ અને સૂર્ય નમસ્કારના માધ્યમથી સ્વસ્થ અને નીરોગી જીવન જીવવા માટે સંદેશ આપ્યો હતો.
જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ શાબ્દિક સ્વાગત કરતા રાજ્યમાં ૧૦૮ સ્થળોએ એક સાથે ૧૧ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે. તેનો સઆનંદ ઉલ્લેખ કર્યો હતો. ગિરનારની ભૂમિમાં આજના આ ઐતિહાસિક અવસરે ગિરનાર પર્વત ઉપરાંત જિલ્લાના ૯ સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આલ્ફા વિદ્યા સંકુલ અને કાંબલીયા સ્કૂલની વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ યોગમય પ્રસ્તુતિઓ પણ રજૂ કરી હતી.
આ પ્રસંગે આલ્ફા વિદ્યા સંકુલના જીગ્નેશભાઈ નકુમ, દિનેશભાઈ પરમાર ઉપરાંત યોગ કોચ – ટ્રેનર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂર્ય નમસ્કાર કર્યા હતાં અને કાર્યક્રમમાં સહભાગી થયા હતા.





