જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

ખડીયા ગામને ત્રણ વર્ષ માટે દતક લઇ સેવાકીય, સામાજીક, આરોગ્ય અને તબીબી, શૈક્ષણિક, પ્રાકૃતિક ખેતી વિગેરેને લગતી પ્રવૃત્તિઓ કરવાની જાહેરાત કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગ્રામ પંચાયત ખડીયા તથા જીએમઈઆરએસ મેડીકલ કોલેજ, અને સિવિલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી ખડીયા ગામ ખાતે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૫ જેટલા નિષ્ણાંત ડોકટરો જોડાયા અને ઈસીજી, દવાઓ, બ્લડપ્રેસર અને ડાયાબિટીસ ચેકઅપ વિગેરે તમામ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા ખડીયા ગામને ત્રણ વર્ષ માટે દતક લઇ સેવાકીય, સામાજીક, આરોગ્ય અને તબીબી, શૈક્ષણિક, બાબતોને આવરી અને પ્રાકૃતિક ખેતી ને લગતી પ્રવૃત્તિઓ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન અને ગ્રામ પંચાયત-ખડીયાના સંયુક્ત ઉપક્રમે તથા જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, જૂનાગઢના સહયોગથી ખડીયા મુકામે “સર્વ રોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સિવિલ હોસ્પિટલ જુનાગઢના તબીબી અધિક્ષક ડો.નયનાબેન લકુમ અને આર.એમ.ઓ. ડો. ટી. જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ઈએનટી, એમ.ડી. ફીઝીશ્યન, ગાયનેકોલોજિસ્ટ, આંખના ડોક્ટર, બાળકોના ડોક્ટર, એમ.એસ., કેન્સર સર્જન, ઓર્થોપેડિક, ફીઝીયોથેરાપીસ્ટ, દાંતના ડોક્ટર વિગેરે ૧૫ જેટલા નિષ્ણાંત તબીબો હાજર રહ્યા હતા.
આ કેમ્પ દરમ્યાન ૩૦૦ જેટલા દર્દીઓને વિવિધ તબીબો દ્વારા તપાસવામાં આવ્યા હતા. જરૂરિયાત જણાતા દર્દીઓના ઇ.સી.જી. તેમજ બ્લડ ટેસ્ટ પણ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા. દર્દીઓને સારવાર અર્થે યોગ્ય જણાય તો વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે સરકારશ્રીના નિયમોનુસાર નિ:શુલ્ક/ટોકન દરે થતી સારવાર અંગેનું માર્ગદર્શન પણ નિષ્ણાંત તબીબો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત બધા જ દર્દીઓને દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી.
વધુમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા ખડીયા ગામ ૩ વર્ષ માટે દત્તક લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ૩ વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, પ્રાકૃતિક ખેતીને લગતી, પર્યાવરણ સ્વચ્છતા, આરોગ્ય અને તબીબી સારવાર કેમ્પ, સમાજોપયોગી સંશોધન કરવાની પણ જાહેરાત કરી હતી.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પને સફળ બનાવવા માટે રજીસ્ટ્રાર ડો.મયંક સોની, સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. જયસિંહ ઝાલા, ભવનના અધ્યાપક અને કેમ્પ કો-ઓર્ડીનેટર ડૉ.પરાગ દેવાણી, ભવનના અધ્યાપક ડૉ. ઋષિરાજ ઉપાધ્યાય, પીએચ.ડી. સ્કોલર્સ અને વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પના આયોજનમાં ગ્રામ પંચાયત-ખડીયાના સરપંચ કાળુભાઈ ભાદરકા, તલાટી મંત્રી મીતાબેન પંડ્યા, ડી. વી. જાડેજા અને યુનિવર્સિટીના કર્મચારી રાહુલભાઈ ચૌહાણનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું.





