
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ આર શાહ અને ન્યાયાધીશ સી ટી રવિકુમારની બેંચે કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ તપાસ કે કોર્ટની કાર્યવાહી સાથે ખીલવાડ ના કરી શકે. આ સમગ્ર મામલો સીબીઆઇ સાથે જોડાયેલો છે. જેમાં પશ્ચિમ બંગાળના એક કોલસા કૌભાંડના આરોપીને સાત દિવસ માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે આરોપી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો જેને પગલે સીબીઆઇ આ આરોપીને સાત દિવસના બદલે માત્ર અઢી દિવસ જ પૂછપરછ કરી શકી છે.
સીબીઆઇ વતી સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી હાજર રહ્યા હતા, તેમણે એવી દલીલ કરી હતી કે આરોપી વિકાસ મિશ્રા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હોવાથી સીબીઆઇ તેમની જોઇએ એટલા દિવસ પૂછપરછ નહોતી કરી શકી.
જેને પગલે આરોપીને વધુ સાત દિવસ માટે સીબીઆઇની કસ્ટડીમાં મોકલવો જરૂરી છે કે જેથી આ સમગ્ર મામલે યોગ્ય રીતે તપાસ કરી શકાય. આ દલિલોને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે આરોપીને કોર્ટની કાર્યવાહી કે તપાસ સાથે ખીલવાડ કરવાની છૂટ ન આપી શકાય.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આરોપીને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવી તે સીબીઆઇ કે અન્ય એજન્સીના અધિકારોમાં આવે છે.
આ સમગ્ર મામલામાં સીબીઆઇના આ અધિકારને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ આરોપી દ્વારા કરવામાં આવ્યો છે. વિકાસ મિશ્રાના મામલામાં બાદમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને વધુ ચાર દિવસની કસ્ટડીમાં લેવાની છૂટ આપી હતી.
અગાઉ વિકસ મિશ્રાએ કસ્ટડીમાંથી છોડવા માટે કલકત્તા હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી હતી. બાદમાં સીબીઆઇ દ્વારા કલકત્તા હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અને ફરી કસ્ટડીની માગણી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી.










