ગીરનાર પરિક્રમામાં યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ ખડેપગે : પ્રથમ વખત પેરામોટરથી કર્યુ પાયલોટિંગ

ગીરનાર પરિક્રમામાં યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ ખડેપગે : પ્રથમ વખત પેરામોટરથી કર્યુ પાયલોટિંગ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનારમાં લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. જેમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ ઊમટી પડે છે. જે યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ અને વનવિભાગ ખડેપગે રહે છે. ત્યારે હવે જૂનાગઢ પોલીસ આ પરિક્રમાનું આકાશી પેટ્રોલિંગ પર કરી રહ્યું છે. પોલીસના જવાન પેરામોટર ફ્લાઈંગ કરી પરિક્રમાની તમામ ગતિવિધી પર નજર રાખી રહ્યા છે. જેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે.
તેમજ ગિરનારની પરિક્રમામાં જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિક્રમામાં આવનાર યાત્રાળુઓની સુરક્ષા માટે 3000 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના નવ જિલ્લાઓની પોલીસને પરિક્રમા માટે ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. આ પરિક્રમામાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ છે. તેમજ આ પરિક્રમામાં માનવીય અભિગમ દ્વારા પણ યાત્રાળુઓની મદદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ યાત્રાળુઓ પરિક્રમામાં જોડાયા છે.
ત્યારે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢમાં પરિક્રમા શરૂ છે, જેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એક સર્વેલન્સ માટે આ પેરામોટરનો ઉપયોગ કરવામાં આવશે. ભૂતકાળના જે અનુભવો થયા છે, તેને લઈ તાત્કાલિક જો કોઈ સર્વેલન્સની જરૂર પડે, જગ્યા પર કોઈ વાહન વ્યવહાર જઈ શકે એમ ન હોય ત્યાં આ પેરામોટરનો પ્રયોગ કરવામાં આવશે. આ પેરામોટરમાં એક પાઇલોટ અને એક અધિકારીએ પાઇલોટિંગ કર્યું હતું. સાથે આ સમયે કેમેરા રાખી પરિક્રમા રૂટ ચેક કરવામાં આવ્યો હતો.
તેમજ અગાઉ પરિક્રમામાં ભીડના કારણે બેથી ત્રણ કલાક સુધી યાત્રાળુઓ ફસાયેલા રહ્યા હતા. ત્યારે આ પેરામોટર રાઈડની મદદથી જમીનની પરિસ્થિતિ જાણી શકાય છે અને નજીકથી આ પરિક્રમા રૂટને જોઈ શકાય છે. દેશના અલગ અલગ જગ્યાઓમાં આ પેરામોટરનો ઉપયોગ એડવેન્ચર સ્પોર્ટમાં થાય છે. વિશ્વના ઘણા દેશોમાં આ પેરામોટરનો ઉપયોગ સિક્યુરિટી એજન્સી દ્વારા પણ કરવામાં આવે છે.
જૂનાગઢના પરિક્રમા રૂટમાં આ પેરામોટરનો ઉપયોગ સૌપ્રથમ કરવામાં આવ્યો છે. જ્યારે ઈમર્જન્સી સંજોગ ઊભા થાય ત્યારે પેરામોટર રાઇડિંગ ખૂબ ઉપયોગી બની શકે છે.





