આ વર્ષે બે દિવસ રક્ષાબંધન ઉજવાશે

ભાઇ-બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી આ વખતે ક્યારે કરવી તેને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ છે. આ વખતે ૩૦-૩૧ ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન મનાવાશે.
જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાએ જણાવ્યું કે, ‘ શ્રાવણ સુદ ૧૫ આ વખતે ૩૦ ઓગસ્ટ-બુધવારના સવારે ૧૦ઃ૫૯થી શરૃ થાય છે અને તે ૩૧ ઓગસ્ટ- ગુરુવારના રોજ સવારે ૭ઃ૦૬ સુધી છે. આ ઉપરાંત બુધવારના રોજ વિષ્ટિ રાત્રે ૯ઃ૦૨ વાગ્યા સુધી છે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કારણ ને મુહૂર્તમાં લેવાતું નથી છતાં કોઈ અનિવાર્ય કરણસર વિષ્ટિ ના પૂંછ ના સમય ને ધ્યાનમાં લેવામાં પણ આવે છે. ૩૧ ઓગસ્ટ ગુરુવારના પૂનમ ત્રણ મુહૂર્તની નથી, માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ ઉપરાંત મુહૂર્ત અંગેના ગ્રંથના સંદર્ભમાં રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે. જ્યોતિષીઓના મતે ૩૦ ઓગસ્ટના રાત્રે ૯ઃ૦૫થી રાત્રે ૧૦ઃ૫૫ના રાખડી બાંધવા માટે મુહૂર્ત છે. નિશિથ કાળ પહેલા – જ્યોતિષ ગણિત મુજબ કુંડળીમાં ચોથે સૂર્ય ને મધ્ય રાત્રીની શરૃઆત કહી છે. આ સમય માં રાખડી બાંધવી યોગ્ય જણાઈ રહી છે છતાં સ્થાનિક વિદ્વાનો ના માર્ગદર્શન મુજબ પણ આ અંગે વિચાર કરવો વ્યવહારુ કહી શકાય.’
ભદ્ર કાળમાં રાખડી કેમ નથી બાંધવામાં એની તો આ માટે એવું કહેવાય છે કે શૂર્પણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો અને એટલે જ એવી એક સર્વ સામાન્ય માન્યતા છે કે બહેનોએ ભદ્રકાળમાં ક્યારેય ભાઈને રાખડી ન બાંધવી જોઈએ. ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે અને એને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.