JUNAGADHJUNAGADH CITY / TALUKO

જમીન અને ખોરાકને ઝેર મુક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવીએ : જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનને ખુલ્લું મુકતા જિલ્લા પંચાયતના પ્રમુખ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જમીન અને ખોરાકને ઝેર મુક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવી પડશે. પ્રાકૃતિક ખેતીથી ગાયના સંવર્ધન સાથે પરિવાર અને સમાજના આરોગ્યનું પણ જતન થશે. તેવી હિમાયત ખેડૂતોને સંબોધતા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શનને ખુલ્લું મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે કરી હતી.
જૂનાગઢ શહેરના સરદારબાગ પાસેના લઘુ કૃષિ ભવન ખાતે આયોજિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા આયોજિત આ પરિસંવાદમાં ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે તેની જરૂરિયાત અને મહત્વ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, આપણા પૂર્વજો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા રહ્યા હતા, ત્યારે આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને લઈ ખેતીના ક્ષેત્રમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે. રાસાયણિક ખેતીથી ઉત્પાદન ઘટવાની સાથે ઉત્પાદિત થતા પાક-શાકભાજી વગેરેની લોકોના આરોગ્ય પર વિપરીત અસરો થઈ છે. જેના પરિણામે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધતું જાય છે.
મહામૂલી માનવ જિંદગી મળી છે ત્યારે, ઈશ્વરીયા વ્યવસ્થાઓ જાળવીને પ્રગતિ સાધી તે હિતાવહ છે. આરોગ્ય માટે હાનિકારક જંક ફુડ વગેરેથી દૂર રહીએ, મીલેટ્સ સાથેનો આપણો પરંપરાગત ખોરાક અપનાવીએ. તેમ પ્રમુખએ જણાવ્યું હતું.
આ પ્રસંગે અનિવાર્ય કારણોસર ઉપસ્થિત નહીં રહી શકેલા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના પ્રદર્શન માટે રાખવામાં આવેલા સ્ટોલ્સની મુલાકાત કરી હતી. સાથે જ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ચર્ચા કરી હતી, અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પરિસંવાદમાં રાજ્ય પ્રાકૃતિક કૃષિ સંયોજક ડૉ. રમેશ સાવલિયાએ જમીન અને આરોગ્ય બચાવવા સાથે આપણા કુટુંબ અને આવનારી પેઢી માટે પ્રાકૃતિક કૃષિનો વારસો આપવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણે પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના ડાયરેક્ટર ડી.જી. રાઠોડે શાબ્દિક સ્વાગત કરતા મહાનુભાવો અને ખેડૂતોને આવકાર્ય હતા અને અંતમાં મદદનીશ ખેતી નિયામક ડી.ડી. ત્રાડાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રધ્યાપક ડો. વિરેન્દ્ર ભટ્ટ અને ગુરુકુળ વંથલીના નીલકંઠ ભગતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. ઉપરાંત ખેડૂતોએ પણ પ્રાકૃતિક કૃષિ માટે મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિષ્ણાંત વક્તાઓએ તેનું સમાધાન આપ્યું હતું.
આ પ્રસંગે સંયુક્ત ખેતીનિયામકના પ્રતિનિધિ એમ.એમ. કાસુન્દ્રા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તર શિક્ષણ નિયામક એન.બી જાદવ, મદદનીશ ખેતી નિયામક મનિષ લાખાણી સહિતના અધિકારીઓ અને ખેડૂત ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button