JUNAGADHJUNAGADH CITY / TALUKO

પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે કાર્યવાહી : પ્લાસ્ટિકનો વપરાશકર્તાઓ પાસેથી ૭ દિવસમાં રૂ. ૮૫ હજારનો દંડ વસુલાયો

વન વિભાગ દ્વારા મંજૂરી અપાયેલ ૮૫ અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા સ્ટેમ્પ પેપર ઉપર પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાની આપેલી લેખિત બાંહેધરી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો પધારે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો અને લોકો પાસેથી ભારતીય વન સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ અન્વયે તા.૨૯-૨-૨૪ થી તા.૫-૩-૨૪ સુધીમાં ૩૮ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જેના દંડની રકમ પેટે રૂ.૭૫૫૫૦ વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ૩૨ ગુન્હોઓ નોંધવામાં આવ્યા છે. જેના દંડ પેટે રૂ.૯૮૦૦ની વસૂલાત કરવામાં આવી છે. આમ, ૭ દિવસમાં કુલ રૂ. ૮૫૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા મહાશિવરાત્રીના મેળામાં ૮૫ જેટલા અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે આ અન્નક્ષેત્રો- ઉતારા મંડળને મંજૂરી આપતા પૂર્વે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધિત છે, તેની જાણ કરવામાં આવી છે. સાથે જ અન્નક્ષેત્રના સંચાલકો દ્વારા સ્ટેમ્પ પેપર ઉપર પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાની લેખિત બાંહેધરી પણ આપવામાં આવી છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવા વન વિભાગ દ્વારા ૩ પ્લાસ્ટિક મોબાઈલ સ્કોડની રચના કરવામાં આવી છે. જે તળેટી વિસ્તારમાં આવેલ અન્નક્ષેત્રો અને દુકાનોમાં ફેરણું કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની સાથે વન્યપ્રાણી અને જંગલને સંબંધીત ગુન્હોઓ ન બને તેની કાળજી લઈ રહ્યા છે. આ માટે ૪ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત કુલ- ૧૨ વનકર્મીઓ કાર્યરત છે.
ગિરનાર પર્વત પર જવાના પ્રવેશ માર્ગે એટલે કે ગિરનાર નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી પર ફ્રિસ્કિંગ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે, ત્યાંથી ગિરનાર પર જતા ભાવિકોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે. અને પ્લાસ્ટિકને જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત કુલ-૪૦ વનકર્મીઓ જરૂરી દેખરેખ રાખી રહ્યા છે. ઉપરાંત ગિરનાર નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી પર સફાઈ માટે વધુ ૧૫૦ જેટલા સફાઈ કર્મીઓ કામગીરી કરી રહ્યા છે. મેળા વિસ્તારમાં મહાનગરપાલિકાના ૨૫૦ જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરી રહ્યા છે.
પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કેન્દ્રમાં રાખી ભવનાથ શિવરાત્રીના રૂટમાં આર્ટિસ્ટ દ્વારા પથ્થર પર પ્રકૃતિ પર્યાવરણના જતનના સંદેશ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે નો સંદેશ આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે. જેથી જનજાગૃતિ પણ કેળવાય.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અપીલ કરવામાં આવી છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button