ભા.જ.પ. નગરસેવિકાના બૂટલેગર પતિની 1.82 કરોડની મિલ્કત જપ્ત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જૂનાગઢના ભાજપના નગરસેવિકાના બુટલેગર પતિને બાંટવા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં માણાવદર કાર્ટ હાજર થવા હુકમ કર્યો હતો પરંતુ બુટલેગર હાજર ન થતા કોર્ટે તેની મિલ્કત જપ્ત કરવા હુકમ કર્યો હતો, જેના અનુસંધાને તંત્રએ આજે બુટલેગરની 1.82 લાખની મિલ્કત જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢમાં રહેતા ભાજપ નગરસેવિકાના બુટલેગર પતિ ધીરેન અમૃત કારીયા સામે દારૂના અનેક ગુના નોંધાયેલા હતા.પોલીસના ચોપડે ધીરેન કારીયા લિસ્ટેડ બુટલેગર છે. ગત 18-9-2023ના ધીરેન કારીયા સામે બાંટવા પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં તે ફરાર હતો.ધીરેન કારીયા મળતો ન હોવાથી એલસીબી પી.આઈ. જે.જે.પટેલે સીઆરપીસી કલમ 82ની કાર્યવાહી કરવા રિપોર્ટ કર્યો હતો, જેના આધારે કોર્ટે ધીરેન કારીયાને હાજર થવા ફરારી જાહેરનામુ ઇસ્યુ કર્યું હતું. આમ છતા તે હાજર ન થતા તા. 19-10-2023 ના માણાવદર કોર્ટે ધીરેન કારીયાની સ્થાવર મિલ્કત જપ્ત કરવા કલેક્ટરને અને જંગમ મિલ્કત જપ્ત કરવા એલસીબીને આદેશ કર્યો હતો, જેના અનુસંધાને આજે મામલતદાર સહિતના સ્ટાફે ધીરેન કારીયાનો રાયજીબાગમાં આવેલો એક કરોડથી વધુની કિંમતનો ફ્લેટ,ખામધ્રોળ રોડ પર રામનિકેતન ખાતે આવેલા 75 લાખની કિંમતના ચાર પ્લોટ તેમજ એલસીબીએ એક કાર અને સ્કૂટર મળી કુલ 1.82 કરોડની કિંમતની મિલ્કત જપ્ત કરી હતી. આમ, કોર્ટમાં હાજર ન થતા બુટલેગરની મિલ્કત જપ્ત કરવામાં આવતા કોર્ટમાં હાજર ન થનારા આરોપીઓમાં ફફડાટ ફેલાયો હતો.
[wptube id="1252022"]