
તા.૨૪/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટની પ્રાપ્તિ કોટેચાએ એન્કરીંગની, વિધાનસભાના સચિવ તરીકે શ્રી જલ્પા અઘેરા અને ધારાસભ્ય તરીકે શ્રી ખાચર શ્રીયાએ ફરજ બજાવીઃ બાલિકા પંચાયતનો લોગો તેમજ તેની માર્ગદર્શિકાનું અનાવરણ કરાયુ
Rajkot: આંતરાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે તે અંગે જાગૃતતા આવે તેવા હેતુસર આજરોજ ગુજરાત વિધાન સભાગૃહ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘તેજસ્વિની વિધાનસભા’નું દિપ પ્રાગટ્ય વડે ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા બાલિકા પંચાયતના લોગો તેમજ તેની માર્ગદર્શિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

‘તેજસ્વિની વિધાનસભા’માં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ ૬ દીકરીઓએ કર્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા ચેમ્પિયન પ્રાપ્તિ કોટેચા તથા ગોંડલ તાલુકાના પાટીદળ ગામની બાલિકા પંચાયતના સભ્યશ્રીઓ ખાચર શ્રીયા, લીલા યશવી, અઘેરા જલ્પા, મકવાણા દર્શિતા, ચૌહાણ સુહાની ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ‘તેજસ્વિની વિધાનસભા’નું એન્કરીંગ પ્રાપ્તિ કોટેચાએ કર્યુ હતું તેમજ વિધાનસભાના સચિવ તરીકે શ્રી જલ્પા અઘેરાએ ફરજ બજાવી હતી. ધારાસભ્ય તરીકે શ્રી ખાચર શ્રીયાએ ફરજ બજાવી હતી.
વિધાનસભાના સચિવ તરીકે ફરજ બજાવનાર રાજકોટની શ્રી જલ્પા અઘેરાએ કહ્યું હતું કે, ‘તેજસ્વિની વિધાનસભા’ની શરૂઆત સચિવ તરીકે કરાવવાનો અનુભવ ખુબ જ આનંદદાયક રહ્યો. મેં ક્યારેય સ્વપને પણ વિચાર્યું ન હતું કે રાજ્યની વિધાનસભામાં મને સચિવ તરીકે કામ કરવાનો મોકો મળશે. આવો મોકો આપવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ પ્રત્યે ખુબ આભારી છું.

રાજકોટ જિલ્લા ચેમ્પિયન પ્રાપ્તિ કોટેચાએ જણાવ્યું હતું કે, શાળામાં અને સંસ્થાના કાર્યક્રમોમાં એન્કરીંગ કર્યું હોય તેનાથી બીલકુલ નવીન અનુભવ રહ્યો. વિધાનસભાની મુલાકાત મળવી અધરુ છે ત્યારે ‘તેજસ્વિની વિધાનસભા’માં એન્કરીંગ કરવાનો મોકો મળ્યો તે મારા માટે ખુબ જ ગર્વની વાત છે. મને તક આપી તે માટે હું તંત્રની કૃતજ્ઞતા અનુભવુ છું.
તેજસ્વિની વિધાનસભામાં દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.








