બ્રાન્ચમાં કામ કરતી મહિલાઓના ફોટો અને વીડિયો લેવાના ઇરાદે મેનેજરે વોશરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો

જામનગરની પંજાબ નેશનલ બેન્કનો આ બનાવ છે જેમાં બેંકના ઇન્ચાર્જ મેનેજરે બ્રાન્ચમાં કામ કરતી મહિલાઓના ફોટો અને વીડિયો લેવાના ઇરાદે મહિલાઓના વોશરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો. બેંકની જ એક મહિલા કર્મીએ આ મામલે ઘટસ્ફોટ કરતાં ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. જામનગર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કેમેરો કબજે કરી આરોપી ઇન્ચાર્જ મેનેજરને પકડવા તપાસ હાથ ધરી છે.
આ મહિલા કર્મચારીને ગત 7 ઓગસ્ટે વોશરૂમનો ઉપયોગ કરતા સમયે દરવાજા પરની દિવાલ પર લગાવેલો સ્પાય કેમેરો ધ્યાનમાં આવ્યો હતો. જે પછી તેણે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા તેમણે તપાસ હાથ ધરી હતી. જેમાં ઇન્ચાર્જ મેનેજરે જ કેમેરો લગાવ્યો હોવાની વિગતો સામે આવી હતી. બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના ઈરાદાથી મેનેજરે મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવ્યો હતો.
થોડા સમય પહેલા આ બેંકનો મુખ્ય બ્રાંચ મેનેજર રજા પર હોવાને લીધે તેની જગ્યાએ અન્ય વ્યક્તિને ઇન્ચાર્જ મેનેજર તરીકે મુકવાનો નિર્ણય લેવાયો હતો. જો કે તેણે કેમેરો ગોઠવ્યો હોવાની હકીકત સામે આવ્યા બાદ તેણે મહિલા સામે કબૂલ્યું હતું કે આ હરકત તેની જ છે. મહિલાએ પણ પોતાની સુરક્ષાના કારણોસર ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
જો કે આ ઘટના બાદ ફરી 10 ઓગસ્ટે કેમેરા લગાવાયા હોવાનું ધ્યાને આવતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરતા સ્પાઈ કેમેરો કબજે કરી અને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો હતો. ઘટનાનો આરોપી જો કે ફરાર છે. પોલીસે પંચનામું કરી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.










