ભાષા વૈભવ અનેરૂ ઘરેણુ


રાજ્યના આઠ મહાનગરો-શહેરોમાં તમામ સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ માહિતી આપતા લખાણોમાં અંગ્રેજી/હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત
જામનગર (નયના દવે)
જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે ૨૪ ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસબીએસ રેડિયો હોય કે પછી જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં ચાલતા ગુજરાતી સમાજો હોય, વર્ષ ૧૯૩૨માં આવેલી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘નરસિંહ મહેતા’થી લઈને ઓસ્કારમાં જનારી પ્રથમ ગુજરાતી ચલચિત્ર ‘છેલ્લો શૉ’ હોય, આ તમામે ગુજરાતી ભાષાના જતન સાથે ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. ભારતના બંધારણમાં સમાવિષ્ટ ૨૨ સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ગુજરાતી છે.
ગુજરાતી એ ગુજરાત રાજ્ય તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૫.૫ કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે.
વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે.
રાજ્યમાં પણ ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર આયામો હાથ ધરીને આપણી ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌ ગુજરાતીઓ પણ પોતાનું યોગદાન આપે તો જ આ દિવસની ઉજવણી સાર્થક થશે તેમજ ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં વધારો થશે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧માં શરૂ કરવામાં આવેલી “ગુજરાતી ભાષા પ્રચાર યોજના” જેવી પહેલ થકી ગુજરાતી ભાષા અને તેના જાજરમાન વારસાને સક્રિયપણે આગળ વધારવાનું કાર્ય કર્યું છે. આ સર્વગ્રાહી પહેલનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાના વર્ગો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવાનો છે. જે ભાષાના વિકાસ માટે રાજ્યનું સમર્પણ ચરિતાર્થ કરે છે. ગુજરાતી ભાષા સરળ રીતે શીખવવા માટે અને તેને સુસંગત બનાવવા માટે આ યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યભરની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કર્યું હતું. આ વિધેયકને રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી ટેકો મળ્યો હતો તે ગૌરવપૂર્ણ બાબત છે. વિધેયક મુજબ, રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૧ થી ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવશે. જે શાળા પાલન નહીં કરે તે શાળાઓને રૂ.૫૦ હજાર થી રૂ. ૨ લાખ સુધીનો દંડ ચૂકવવો પડશે. તેના ચુસ્ત અમલીકરણ માટે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારી શાળાઓના અનુપાલન પર નજર રાખશે અને જો ઉલ્લંઘન થતું જણાશે તો તેની સામે કડક પગલાં લેશે.
આ વિધેયક ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેના થકી રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને પોતાની માતૃભાષા-ગુજરાતી ભાષા શીખવાની તેમજ પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડાવાની પૂર્ણ તક મળી છે.
રાજ્ય સરકારની ગુજરાતી ભાષાની જાળવણી અને સંવર્ધન ઉપરાંત તેનો વ્યાપ વધારવા અંગેની અડગ પ્રતિબદ્ધતા વિશ્વના વિવિધ દેશોમાં પણ ગુજરાતીઓ માટે ભવિષ્ય ઉજળું બનાવી રહી છે.