
તા.૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રભક્તિના આ પર્વમાં દેશના ગામે ગામથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવી હતી. આ કડીના ભાગરૂપે કાર્યક્રમના બીજા ચરણમાં ‘અમૃત કળશ’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી કરાઇ રહી છે. દેશના વીર શહીદોની યાદમાં ઠેર ઠેર ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમો દરમિયાન એકઠી થયેલી માટીને કળશમાં મુકીને ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરેલી માટી તાલુકા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે. આ માટીમાંથી દિલ્લી ખાતે અમૃત વાટીકાનું નિર્માણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી ગીતાબેન સભાયા, અગ્રણીશ્રી મોહનભાઈ દાફડા, શ્રી મુકેશભાઈ તોગડીયા, શ્રી વિનુભાઈ પરસાણા, તલાટી શ્રી યતિનભાઈ ભૂત, શ્રી નિલેશભાઈ નીનામા, શ્રી રાજુભાઈ ધામેલીયા, શ્રી મુકેશભાઈ કમાણી, મનોજભાઈ રાઠોડ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.








