
તા.૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી અર્થે ૭૦ થી વધુ ઉમેદવારોએ ઈચ્છા દર્શાવી
મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળવાનું સ્વપ્ન સેવતા અને જોબ સેટિસ્ફેક્શન તેમજ જોબ સિક્યોરિટીને અગ્રતા આપતા યુવા વિદ્યાર્થીઓ ટી.સી.એસ. કંપનીમાં જોડાવા માટે રોજગાર કચેરી ખાતે આયોજિત ભરતી મેળામાં આવી પહોંચતા તેઓનો આત્મવિશ્વાસ ઉડીને આંખે વળગતો હતો.

રાજકોટના બહુમાળી ભવન ખાતે ટી.સી.એસ. કંપની દ્વારા બી.પી.એસ. (બિઝનેસ પ્રોસેસ સર્વિસ) ની જ્ગ્યા માટે ઉમેદવારોની પસંદગી અર્થે રીટર્ન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર ભરતીમેળામાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ માં બી.એ., બી.કોમ., બી.બી.એ.,બી.એસ.સી.(નોન આઈ.ટી.) પૂર્ણ કરનાર ૭૦ જેટલા ગ્રેજ્યુએટ યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કંપનીના એચ.આર. ના જણાવ્યા મુજબ ટેસ્ટમાં પાસ થનાર વિદ્યાર્થીઓના ઓનલાઇન ઇન્ટરવ્યૂ બાદ પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ ત્રણ માસ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે તેઓનો સેલેરી ઉપરાંત કંપની દ્વારા ઇન્સ્યોરન્સ સહિતના મળવા પાત્ર લાભો પણ આપવામાં આવશે.

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ દ્વારા વિવિધ કોલેજના સંપર્ક ઉપરાંત નોંધાયેલા સભ્યોને વોટ્સએપ દ્વારા આ ભરતી મેળામાં આમંત્રિત કરાયા હોવાનું મદદનીશ નિયામક શ્રી ચેતન દવેએ જણાવ્યું છે.
આ તકે બી.બી.એ. પૂર્ણ કરનાર મહિલા કોલેજની વિદ્યાર્થીની પૂર્વી દાવડાએ જણાવ્યું હતું કે, મારે ભવિષ્યમાં માર્કેટિંગમાં કારકિર્દી બનાવવી છે. હજુ કોલેજ પુરી કરતા જ મને મલ્ટીનેશનલ કંપનીમાં ઇચ્છુક જોબ માટે તક અપાવવા બદલ હું રોજગાર વિભાગનો આભાર માનું છું. સારી તક મળે તો બહારગામ પણ જોબ કરવા પરિવાર સંમતિ આપતો હોવાનું તેણીએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું.
જયારે ક્રાઈસ્ટ કોલેજમાંથી બી.બી.એ. પૂર્ણ કરનાર ઋષભ મહેતા અને કરણસીંગ જણાવે છે કે, અમારું સ્વપ્ન મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાનું છે. તેઓ જોબ સેટિસ્ફેક્શન અને જોબ સિક્યોરિટી પર ખાસ ભાર મૂકે છે. જો સારી નોકરી મળે તો જોબ સાથે આગળ શિક્ષણ લેવા પણ તેમણે ઈચ્છા દર્શાવી હતી.
રાજકોટ જિલ્લાના શિક્ષિત યુવાનોને ઇચ્છુક નોકરી મળે રહે તે માટે વર્ષ દરમ્યાન ૭૦ થી વધુ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું રોજગાર અધિકારીશ્રી દવે જણાવે છે.
રાજ્ય સરકાર દ્વારા ‘’હર હાથ કો કામ’’ વિભાવના પરિપૂર્ણ કરવા વિભાગ દ્વારા રોજગાર કચેરી ખાતે સેવાઓ ઉપરાંત ખાસ અનુબંધન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જેમાં એમ્પ્લોયર કંપની અને નોકરી વાંછુંકો એકબીજાના સંપર્કમાં આવી શકે તે પ્રકારે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.








