
દક્ષિણ બ્રાઝિલમાં ચક્રવાતને કારણે આવેલા પૂરને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા અને ઘણા શહેરોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હતા અને 2300 લોકો બેઘર બન્યા હતા. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી.
ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કહ્યું કે સોમવાર રાતથી ચાલુ રહેલ વાવાઝોડાએ 60 થી વધુ શહેરોને અસર કરી છે. તોફાન ‘રિયો ગ્રાન્ડે દો સુલ’ રાજ્ય માટે સૌથી વિનાશક આફત બની ગયું છે.
લેઈટે સરકારના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, “અમે હવાઈ સર્વેક્ષણ કર્યા પછી પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ કર્યો છે. નદીના કિનારે રહેતા લોકો જ નહીં પરંતુ સમગ્ર શહેર આ દુર્ઘટનાથી પ્રભાવિત થયું છે.”
આ વીડિયો મંગળવારે બચાવ ટુકડીઓ દ્વારા લેવામાં આવ્યો હતો અને ઓનલાઈન ન્યૂઝ સાઈટ G1 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, તેમાં જોવા મળે છે કે કેટલાક પરિવારો તેમના ઘરની છત પર ઉભા છે અને મદદ માટે વિનંતી કરી રહ્યા છે. રસ્તાઓ પર ઝડપથી વહેતા પાણીએ મુખ્ય શહેરોથી ઘણા વિસ્તારો સંપૂર્ણપણે કાપી નાખ્યા છે.
લેઈટે બુધવારે જણાવ્યું હતું કે મૃત્યુઆંક 31 પર પહોંચી ગયો છે. તે જ સમયે, દેશના કટોકટી સત્તાવાળાઓએ કહ્યું કે ઓછામાં ઓછા 2,300 લોકો બેઘર થઈ ગયા છે. તેમજ ત્રણ હજાર અન્ય લોકોએ અસ્થાયી રૂપે તેમના ઘર છોડવા પડ્યા હતા.