મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોનું ભાવભીનું સ્વાગત કરાયું

ગીર સોમનાથ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તમિલ બાંધવો- ભગીનીઓનું આરોગ્ય મંત્રીઋષિકેશભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તમિલ સંગમ કાર્યક્રમના ઉપક્રમે વર્ષો બાદ મૂળ વતનની મુલાકાતે આવેલા બંધુઓને આવકારવા માટે સૌરાષ્ટ્રના દરેક સમુદાયના લોકો તેમજ મૂળ તમિલનાડુના અને હાલ વેરાવળમાં સ્થાયી થયેલા તમિલ સમુદાય પણ ઉપસ્થિત રહ્યા હતા.ઢોલ નગારાના તાલે કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું કાઠીયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી મંત્રીશ્રી સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવકારથી આનંદીત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
તમિલનાડુથી આવેલ સર્વેને લાલ જાજમ પર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૪૦ વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આવકારવામાં આવ્યા હતા. આ સમયે ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમને વતનમાં આવીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. રસ્તામાં અમારું ઠેર-ઠેર લાગણીપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. તમિલનાડુથી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશખુશાલ જણાતા હતા. તેઓની સાથે આવેલ કન્વીનર એ.આર મહાલક્ષ્મીએ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે, અમે અમારા વતન સાથે પુનઃ જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે. આ તકે સૌરાષ્ટ્રીયન તમિલોએ વતન સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો.
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને આવકારવા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખપિયુષભાઈ ફોફંડી, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા સહિતના અગ્રણીઓ, મહિલા મોરચાના અગ્રણીઓ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત વિવિધ કોલેજો અને શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિકો દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે પ્રવાસી આમંત્રિતોનું ભાવભીનું સ્વાગત કરવામા આવ્યું હતું.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










