Rajkot : રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન આંગણવાડી-તેડાગર કાર્યકરોને ગણવેશ વિતરણ-સન્માન તેમજ વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલ અનાવરણનો કાર્યક્રમ યોજાયો

રાજકોટ, તા. ૨૫ નવેમ્બર – રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળીયા તથા ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના નવ જિલ્લા અને ત્રણ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાગરની બહેનોને ગણવેશ વિતરણ, નંદઘર, ઘટક કચેરીનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, વહાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા બહેનોને સહાય વિતરણ તેમજ સમરસ બાલિકા પંચાયતના બહુમાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા. ત્યારે બાળકો અને મહિલાઓના ઉત્કર્ષ માટે સૌ પ્રથમવાર મહિલા અને બાળ વિકાસ વિભાગનું ગઠન કરીને વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મૂકી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં વિભાગ દ્વારા સગર્ભા માતાઓની ખેવના કરી, તેઓને પોષક આહાર, પ્રસુતાઓને સરકારી હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર, નવજાત બાળની આરોગ્ય સંલગ્ન અનેક યોજનાઓ સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાનું કામ કરી રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા બાળકો માટે પોષણ તેમજ શિક્ષણ માટે નંદઘર, આંગણવાડી સહિતની વ્યવસ્થા તેમજ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી આવનારી પેઢીને સશક્ત બનાવવાનું કામ આ સરકારે કર્યું છે.
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં વિભાગની કામગીરીની સરાહના કરી જણાવ્યું હતું કે, આપ સૌ મહિલાઓના શિરે બાળકોને પોષણ અને સ્વાસ્થ્ય પ્રદાન સાથે તેમને ઘડવાનું, મોટા કરવાનું, તેઓને યોગ્ય નાગરિક બનાવવાની પાયાની મહત્વની જવાબદારી સોંપેલી છે, જે સુપેરે નિભાવી રહ્યા છો. મંત્રીશ્રીએ મહિલાઓને ગૌરવ પ્રદાન કરતા કહ્યું હતું કે, પોતીકાપણાની ભાવના સાથે બાળકોમાં ચારિત્ર્ય, સંસ્કાર અને કામગીરી કરી રહ્યા છો, તે બદલ તમામ મહિલાઓ સન્માનને પાત્ર છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગે આજના ગણવેશ વિતરણ પસંદગી અંગે જણાવ્યું હતું કે, બાળકોની ખેવના કરતી આ બહેનોને ગૌરવ અપાવે, તેવી પટોળા ડિઝાઇનની ખાસ સાડી પસંદ કરવામાં આવી છે.
માતાના ખોળાની હૂંફ પૂરી પાડતી આંગણવાડીની મહિલાઓ બાળકોને મોંમાં પોષણયુક્ત કોળીયા આપે છે, ત્યારે આંગણવાડીની બહેનોની આરોગ્ય અને સુખાકારી માટે પણ વિભાગ સતત ચિંતિત હોવાનું કહી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બહેનોને હેલ્થ કાર્ડ, ઘરેલું હિંસાઓનું કાયદાકીય રક્ષણ તેમજ કાઉન્સેલિંગ, દીકરીઓની સુરક્ષા માટે 181 અભયમ સહિત સુરક્ષા માટે વિવિધ વિભાગો તમારી મદદમાં ઉપલબ્ધ છે, તેમ બહેનોને હિંમત આપતા મંત્રીશ્રી ભાનુબેનએ જણાવ્યું હતું.
સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ નૂતન વર્ષની શુભકામના પાઠવતા પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યની મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાગર બહેનોને ગણવેશ વિતરણ તેમજ નંદઘર, ઘટક કચેરીઓ, કચ્છના સખી વન સ્ટોપ સેન્ટરનુ ઇ-લોકાર્પણ, મહિલાલક્ષી સહાયક માળખાઓની માહિતી દર્શાવતા બોર્ડનું અનાવરણ, વહાલી દિકરી યોજના તેમજ ગંગાસ્વરૂપે બહેનને સહાય વિતરણ સહિતના વિવિધ પ્રકલ્પોના ઇ-અનાવરણ કરાયા હતા.
રાજકોટની પ્રાદેશિક નાયબ નિયામકશ્રીની કચેરી, આઈ.સી.ડી.એસ. તેમજ વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં ઢોલનગારાં સાથે મંત્રીશ્રીઓના આગમનને વધાવાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
આ તકે આઇ.સી.ડી.એસ. નિયામકશ્રી રણજીતકુમાર સિંહએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું પોષણ ટોકરી આપીને અભિવાદન કરાયું હતું, જે પોષણ ટોકરી આંગણવાડી કાર્યકર બહેનોને અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ આઇ.સી.ડી.એસ., આંગણવાડી, અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર સહિત વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય સર્વેશ્રી ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર,
મ્યુનિસિપલ કોર્પોરેશનની મહિલા અને બાળ સમિતિના ચેરમેનશ્રી દિલીપભાઈ લુણાગરિયા, દંડકશ્રી મનીષભાઈ રાડીયા, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી કંચનબેન બગડા, આઇ.સી.ડી.એસ. સંયુક્ત નિયામકશ્રી અવંતિકાબેન દરજી, કલેકટરશ્રી પ્રભવ જોષી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ, ડેપ્યુટી કમિશનરશ્રી અનિલભાઈ ધમેલીયા, પ્રાંત અધિકારીશ્રી કે. જી. ચૌધરી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવે, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.









