તા.૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પરંપરાગત માધ્યમો થકી સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓ અને તેના લાભો સામાન્ય લોકો સુધી પહોંચાડવા તેમજ કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેઅંતર્ગત નાટકો, લોકડાયરા તેમજ કઠપૂતળીના કાર્યક્રમો નિયત લાયકાત ધરાવતા કલાકારોને ફાળવવામાં આવે છે.
તા. ૩ થી ૫ ઓકટોબર દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમોમાં રાજકોટ જિલ્લાના વિવિધ કલાકારો જુદા-જુદા તાલુકાઓના ગામડાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અંગે જાગૃતિ, હર ઘર શૌચાલય, તળાવ-કૂવા વગેરેની સ્વચ્છતાની જાળવણી જેવા જેવા વિવિધ મુદ્દાઓ પ્રત્યે ગ્રામ્ય નાગરિકોને માહિતગાર કરશે અને ભજન, પરંપરાગત સાહિત્ય આધારિત મનોરંજનની સાથે સામાજિક પ્રગતિના સંદેશો આપશે.
રાજકોટ જિલ્લામાં લોકડાયરાના કાર્યક્રમ માટે કાંગશીયાળી તા.લોધિકા, વણપરી તા. પડધરી, મોટા હડમતીયા તા.વિંછીયા, ભરૂડી તા.ગોંડલ, નારણકા તા. કોટડાસાંગાણી, ભંડારીયા તા.જસદણ, ખારચીયા તા.જેતપુર, ડુમીયાણી તા.ઉપલેટા, જશાપર તા.જામકંડોરણા, ઉમરકોટ તા.ધોરાજી, તેમજ રાજકોટ તાલુકાના ગવરીદડ, વાજડી વીરડા, રાજગઢ, રાણપુર, ખીજડીયા, સહિતના કુલ ૫૬ ગામોમાં લોકડાયરા, નાટકો અને કઠપૂતળીના ૫૬ કાર્યક્રમો યોજાશે.








